આઈસીસીએ વર્લ્ડ કપ 2023 ફાઈનલ માટે અમ્પાયરોના નામની જાહેરાત કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર એક નામ ટ્રેન્ડ થવા લાગ્યું છે. આ નામ છે રિચાર્ડ કેટલબરો. કેટલબરોને ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલ માટે ફિલ્ડ અમ્પાયરની જવાબદારી મળી છે.
રિચર્ડ કેટલબરો ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર છે. તેઓ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જગ્યા બનાવી શક્ય ન હતા, પરંતુ તેમણે ઈંગ્લેન્ડમાં લાંબો સમય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી. આ પછી તેઓ અમ્પાયરિંગ તરફ વળ્યા હતા. 50 વર્ષીય કેટલબરો લાંબા સમયથી અમ્પાયરિંગ કરી રહ્યા છે અને હાલમાં તેમની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ અમ્પાયરોમાં થાય છે. જોકે તેમની હાજરી ટીમ ઈન્ડિયા માટે હંમેશા કમનસીબ રહી છે.
કેટલબરો વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઈનલ મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હતા. ત્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં ખૂબ જ ઓછા અંતરથી ચૂકી ગઈ હતી.
આ પછી, કેટલબરો ટી-20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાની એક મહત્વપૂર્ણ મેચમાં પણ અમ્પાયરિંગ કરી રહ્યા હતા. ત્યારે પણ ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી અને વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. આ વર્ષે કેટલબરોએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા પણ ભજવી હતી. અહીં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.
કેટલબરો સાથે ભારતની હાર સાથેનો સંબંધ હજુ પણ જુનો છે. રિચર્ડ કેટલબરો T-20 વર્લ્ડ કપ 2014, ODI વર્લ્ડ કપ 2015, T-20 વર્લ્ડ કપ 2016 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની મેચોમાં ભારતની મેચમાં અમ્પાયર તરીકે રહ્યા હતા. આ જ કારણ છે કે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં કેટલબરોનું નામ સામે આવ્યું ત્યારથી જ ભારતીય ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.
આ વર્લ્ડ કપ 2023 ફાઈનલ માટે અમ્પાયરોની સંપૂર્ણ યાદી:
ફિલ્ડ અમ્પાયર: રિચાર્ડ કેટલબોરો અને રિચાર્ડ ઇલિંગવર્થ
થર્ડ અમ્પાયર: જોએલ વિલ્સન
ચોથો અમ્પાયર: ક્રિસ ગેફની
મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ