સ્પોર્ટસ

રિચા ઘોષનો અદભુત વન-હૅન્ડેડ કૅચ, પાકિસ્તાની કૅપ્ટનના માનવામાં જ નહોતું આવતું!

દુબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ રમતની મૅચ રમાતી હોય, દુનિયાભરના સ્પોર્ટ્સપ્રેમીઓની નજર તેમના પર રહે જ. એમાં પણ જો ક્રિકેટનો મુકાબલો હોય તો પૂછવું જ શું! મેન્સ ક્રિકેટ હોય કે વિમેન્સ ક્રિકેટ, પાકિસ્તાન સામેનો ભારતનો મુકાબલો હાઈ-વૉલ્ટેજ બની જ જાય. અહીં દુબઈમાં મહિલાઓની મૅચમાં ભારતે પાકિસ્તાનને 20 ઓવરમાં 105/8ના સ્કોર સુધી સીમિત રાખી એમાં ભારતીય બોલર્સની તો વાહ-વાહ થઈ જ, ફીલ્ડિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ દમદાર પર્ફોર્મ કર્યું હતું. ખાસ કરીને વિકેટકીપર રિચા ઘોષે એક કમાલનો કૅચ પકડ્યો હતો. આ કૅચ બીજા કોઈનો નહીં, પણ પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સનાનો હતો.

14મી ઓવર લેગ-સ્પિનર આશા શોભનાએ કરી હતી. પહેલા પાંચ બૉલમાં પાકિસ્તાની ટીમને કોઈ નુકસાન ન થયું અને ટીમનો સ્કોર 5/70 હતો, પરંતુ શોભનાના ઑફ સ્ટમ્પ પરના ફ્લાઇટેડ છેલ્લા બૉલમાં ફાતિમા જોરદાર ફટકો મારવા જતાં તેના બૅટની આઉટસાઇડ એજ લાગી હતી અને બૉલ રિચા ઘોષ તરફ ગયો હતો. રિચાએ બીજી જ ક્ષણે પોતાની જમણી દિશા તરફ ડાઇવ મારીને એક હાથે તેનો કૅચ પકડી લીધો હતો. ખુદ ફાતિમા આ કૅચથી સ્તબ્ધ થઈ ગઈ હતી. પોતે આઉટ થઈ ગઈ છે એવું તે માની જ નહોતી શકતી. જોકે અમ્પાયરે તેને આઉટ જાહેર કરી હતી અને તે પોતાની ભૂલ પર પસ્તાવો કરીને નિરાશ હાલતમાં પૅવિલિયનમાં પાછી આવી હતી. એ સાથે ટીમ-સ્કોર 6/70 થઈ ગયો હતો.



ફાતિમાએ આઠ બૉલમાં બે ફોરની મદદથી હજી તો 13 રન બનાવ્યા હતા ત્યાં શોભના અને રિચાએ ભેગા મળીને તેને પૅવિલિયન ભેગી કરી દીધી હતી.
બાવીસ વર્ષની ફાતિમાને તાજેતરમાં જ પાકિસ્તાની ટીમની કૅપ્ટન્સી મળી છે. તેને 45 ટી-20 ઇન્ટરનૅશનલ મૅચનો અનુભવ છે. 21 વર્ષની રિચા ઘોષ 57 ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ રમી છે અને તે વિકેટકીપર હોવા ઉપરાંત ટીમની મુખ્ય બૅટર્સમાં પણ ગણાય છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker