‘ટૉરન્ટોમાં ભારતીય ભૂકંપ…’ ગૅરી કાસ્પારોવે આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: દોમ્મારાજુ ગુકેશ (ડી. ગુકેશ) નામના ભારતના ટીનેજ ચેસ સિતારાએ શતરંજની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. આ હલચલને રશિયાના ચેસ-લેજન્ડ ગૅરી કાસ્પારોવે ‘ટૉરન્ટોમાં ભારતીય ભૂકંપ’ તરીકે ઓળખાવી છે. 17 વર્ષનો ગુકેશ વિશ્ર્વ ચૅમ્પિયન બનવા માટેનો પડકાર આપનાર વિશ્ર્વનો સૌથી યુવાન ચેસ ખેલાડી છે. તેણે કાસ્પારોવનો 40 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો છે. કાસ્પારોવે 1984માં વર્લ્ડ ચૅમ્પિયન બનવા માટે આનાતોલી કાર્પોવને પડકાર્યા ત્યારે ત્યારે તેઓ (કાસ્પારોવ) બાવીસ વર્ષના હતા, જ્યારે ગુકેશ માત્ર 17 વર્ષનો છે.
ગુકેશે બે દિવસ પહેલાં કૅનેડાના ટૉરન્ટોમાં કૅન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. આ ટૂર્નામેન્ટ જીતનાર ખેલાડી વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયનને ચેસ બોર્ડ પર આવવા પડકારે છે અને આ વખતે ગુકેશ ચીનના વર્તમાન વિશ્ર્વવિજેતા ડિન્ગ લિરેનને ચૅલેન્જ આપશે. એ મુકાબલો આ વર્ષના છેવટના મહિનાઓ દરમ્યાન થશે.
કાસ્પારોવે એક્સ (ટ્વિટર પર) ગુકેશને અભિનંદન આપતા લખ્યું છે, ‘કૉન્ગ્રેચ્યૂલેશન્સ. ટૉરન્ટોમાં જાણે ભારતીય ભૂકંપ આવ્યો. પરિણામે, ચેસ જગતમાં મોટું પરિવર્તન આવી ગયું છે જેમાં 17 વર્ષનો ગુકેશ આ વર્ષના અંત ભાગમાં ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેનને સર્વોચ્ચ ટાઇટલ માટે પડકારશે.’
ગુકેશે 14 રાઉન્ડની કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં છેલ્લા રાઉન્ડમાં અમેરિકાના હિકારુ નાકામુરા સામેની ગેમ ડ્રૉ કરી એ સાથે ગુકેશ નવ પૉઇન્ટ સાથે સર્વોપરિ હતો અને વિજેતા જાહેર કરાયો હતો.
પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલા વિશ્ર્વનાથન આનંદે પણ ગુકેશ પર અભિનંદનની વર્ષા વરસાવી હતી.
વિશ્ર્વનાથન તેના સમયમાં (દોઢેક દાયકા પહેલાં) ચેસમાં સર્વોપરિ બન્યો એને પગલે ભારતમાં ચેસના કલ્ચરમાં મોટું પરિવર્તન આવ્યું જેને પરિણામે ભારતને નવા-નવા ચેસ સ્ટાર મળી રહ્યા છે.
કાસ્પારોવે આનંદના યોગદાનને પણ બિરદાવતા લખ્યું, ભારતીય ચેસમાં હવે ‘વિશી આનંદના બાળકો’ (ચેસમાં વારસો આગળ ધપાવી રહેલા નવયુવાન ખેલાડીઓ) ચેસ જગતમાં ધૂમ મચાવી રહ્યા છે. કાસ્પારોવ 1984થી 2005 દરમ્યાન કુલ મળીને વિક્રમજનક 255 મહિના સુધી ચેસમાં વર્લ્ડ નંબર-વન હતા