કેન્યામાં મહિલા ઍથ્લીટની પાર્ટનરના હાથે હત્યાના ચોથા બનાવથી લોકોમાં આક્રોશ…
બુકવો (યુગાન્ડા): આફ્રિકા ખંડના યુગાન્ડા દેશની રેબેકા શેપ્ટેગી નામની મહિલા ઑલિમ્પિયનની તેના પાર્ટનર ડિક્સન ઍન્ડિએમાએ તાજેતરમાં પાડોશી દેશ કેન્યામાં હત્યા કરી એ ઘટનાએ કેન્યા તેમ જ યુગાન્ડામાં સનસનાટી મચાવી દીધી છે.
શનિવારે રેબેકાના મૃતદેહને ચાહકોએ અંતિમ વિદાય આપી હતી. રેબેકાને કેન્યા સાથેની સરહદ નજીકના તેના વતનમાં દફનાવવામાં આવી હતી. કેન્યામાં મહિલા ઍથ્લીટને તેના પાર્ટનરે મારી નાખી હોય એવી આ ચોથી ઘટના છે.
રેબેકાએ પૅરિસ ઑલિમ્પિક્સની મૅરેથોનમાં ભાગ લીધો હતો જેમાં તે 44મા સ્થાને રહી હતી. ત્રીજી સપ્ટેમ્બરે ડિક્સને રેબેકાના ઘરમાં રેબેકા પર ગૅસોલીન છાંટીને તેને બાળી મૂકી હતી. રેબેકા 80 ટકા દાઝી ગઈ હતી અને થોડા દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું.
વિશ્ર્વના અનેક દેશોની મૅરેથોનમાં ભાગ લઈ ચૂકેલી રેબેકા યુગાન્ડાની છે, પરંતુ તેણે કેન્યામાં જે જમીનનો પ્લૉટ ખરીદ્યો હતો એ મુદ્દે ડિક્સન સાથે તેનો ઝઘડો થયો હતો અને મગજ પરથી કાબૂ ગુમાવી બેઠેલા ડિક્સને તેને બાળી મૂકી હતી.
રેબેકા 33 વર્ષની હતી. કેન્યામાં કોઈ મહિલા ઍથ્લીટની તેના પાર્ટનર (બૉયફ્રેન્ડ કે એક્સ-બૉયફ્રેન્ડ)એ હત્યા કરી હોય એવી આ ચોથી ઘટના છે. થોડા વર્ષોથી કેન્યામાં મહિલાઓ સામે પુરુષોની હિંસાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, પરિણામે મહિલા સંગઠનો કેન્યામાં વારંવાર રૅલી કાઢે છે.
કેન્યામાં સરેરાશ 10માંથી 4 મહિલા પર વર્તમાન અથવા ભૂતપૂર્વ પુરુષ પાર્ટનર દ્વારા શારીરિક અત્યાચાર કરવામાં આવે છે, એવું એક સર્વેક્ષણમાં જણાવાયું છે.