ભારત પણ પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરી શક્યું હોત! પણ આ કારણે ના કર્યો

મુંબઈ: બાંગ્લાદેશના સર્મથનમાં પાકિસ્તાને T20 મેન્સ વર્લ્ડ કપ 2026 માં ભારત સામેની ગ્રુપ સ્ટેજની મેચનો બહિષ્કાર કર્યો છે. 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ હવે નહીં રમાય. જેના કારણે ICCને મોટો ફટકો પડ્યો છે.
નોંધનીય છે કે ગત વર્ષે એપ્રિલ મહિનામાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીયોમાં પાકિસ્તાન સામે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. એ સમયે માંગ ઉઠી હતી કે સપ્ટેમ્બર 2025માં યોજાયેલા T20 એશિયા કપમાં ભારત પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરે, પરંતુ BCCIએ પાકિસ્તાન સામે મેચ રમવા નિર્ણય કર્યો. એ સમયે BCCIની ટીકા પણ થઇ હતી.
લોકોના રોષ છતાં ભારત સરકારે BCCI ને પાકિસ્તાન સામે મેચ રમવાની મંજુરી આપી હતી. આ નિર્ણય પાછળ આ કારણો જવાબદાર હતાં:
- જો ભારતે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કર્યો હોત, તો ICC વિવિધ પ્રતિબંધો લાદી શક્યું હોત.
- પાકિસ્તાન સામેના મેચના બહિષ્કારથી IPL પર અસર પડી શકી હોત, જેને કારણે BCCIને મોટું નાણાકીય નુકસાન થઈ શક્યું હોત.
- ICC અન્ય દેશની ટીમોને ભારતમાં દ્વિપક્ષીય સિરીઝ રમવાથી પણ રોકી શક્યું હોત.
- આગામી ICC અને મલ્ટીલેટરલ ઇવેન્ટ્સમાં ભારત પર કેટલાક પ્રતિબંધો લાગી શક્યા હોત.
પાકિસ્તાનની યજમાનીમાં યોજાયેલી ICC ચેમ્પિયન્સ 2025 માટે BCCIએ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ભારતની તમામ મેચ તટસ્થ સ્થળ દુબાઈમાં યોજાઈ હતી. એ સમયે નક્કી થયેલું કે ભવિષ્યમાં ભારતની યજમાનીમાં આયોજિત થતી કોઈ પણ ICC અને મલ્ટીલેટરલ ઇવેન્ટ્સમાં પાકિસ્તાનની તમામ મેચ તટસ્થ સ્થળે યોજાશે. T20 મેન્સ વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાનની તમામ મેચ શ્રીલંકામાં રમાશે.
આપણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કમર તૂટી જશે! ભારત સામેની મેચનો બહિષ્કાર બદલ લાગી શકે છે આ પ્રતિબંધો



