બ્રિસબેન: ભારતના જ નહીં, પરંતુ સમગ્ર ક્રિકેટ જગતના મહાન સ્પિનરોમાં ગણાતા રવિચંદ્રન અશ્વિને અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. 38 વર્ષના ઑફ સ્પિનર અશ્વિનને ઑસ્ટ્રેલિયા સામેની વર્તમાન સિરીઝમાં એક જ ટેસ્ટ રમવા મળી જેમાં તેણે 53 રનમાં એક વિકેટ લીધી હતી. અશ્વિનના ઓચિંતા રિટાયરમેન્ટ વિશે કેટલાક ખ્યાતનામ ક્રિકેટરોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
અશ્વિને ટેસ્ટની 13 વર્ષની શાનદાર કારકિર્દી દરમ્યાન 106 મેચમાં કુલ 27,246 બૉલ ફેંક્યા હતા અને એમાં તેણે 12,891 રનના ખર્ચે કુલ 537 વિકેટ લીધી હતી.
શ્રીલંકાના મુથૈયા મુરલીધરનની જેમ ટેસ્ટમાં 11 વખત મૅન ઑફ ધ સિરીઝના અવોર્ડનો વિશ્વવિક્રમ ધરાવનાર અશ્વિને 37 વખત ટેસ્ટના એક દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી હતી અને એ રીતે તે ટેસ્ટ વિશ્વમાં મુરલીધરન (67 વખત) પછી બીજા નંબરે છે.
અશ્વિન આજે બ્રિસબેનના ડ્રેસિંગ રૂમમાં વિરાટ કોહલી તેમ જ અન્ય સાથીઓ વચ્ચે ભાવુક સ્થિતિમાં જોવા મળ્યો ત્યારે જ અંદાજ આવી ગયો હતો કે તે કંઈક મોટી જાહેરાત કરશે.
પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્માએ અશ્વિનની અપ્રતિમ ટેસ્ટ કારકિર્દીને ખૂબ બિરદાવી હતી અને તેને શાનદાર કરીઅર બદલ અભિનંદન આપ્યા હતા. અશ્વિને રોહિતની બાજુમાં બેસીને જ પત્રકારો સમક્ષ નિવૃત્તિની જાહેરાત કરી હતી અને પછી કોન્ફરન્સમાંથી રવાના થઈ ગયો હતો.
2011ના વન-ડે વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા ખેલાડી અશ્વિન સાથે હરભજન સિંહ (ભજજી) વર્ષો સુધી ઘણી મેચોમાં રમ્યો હતો. અશ્વિનના સાથી-સ્પિનર હરભજને પ્રતિક્રિયામાં કહ્યું કે ‘મારા માટે અશ્વિનનો આ શૉકિંગ નિર્ણય છે. તેણે થોડી ઉતાવળ કરી એવું મને લાગે છે. આ સિરીઝમાં મેલબર્ન, સિડનીમાં તેને મોકો મળી શક્યો હોત. જોકે આ તેનો અંગત નિર્ણય છે અને આપણે એનું સન્માન કરવું જોઈએ. તેને શાનદાર કરિયર બદલ અભિનંદન.’
ભજજીએ એવું પણ કહ્યું કે ‘અહીં બ્રિસબેનની પિચ પર કેવા બૉલ ફેંકવા જોઈએ અને હરીફ બૅટરને કેવી રીતે જાળમાં ફસાવી શકાય એવી બધી વાતો પર આજે સવારે જ અશ્વિન સાથે ચર્ચા થઈ હતી અને અમે એ બાબતમાં અવલોકન પણ કર્યું હતું અને હવે તેણે અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી. આના પરથી જોવાનું છે કે અશ્વિનમાં કારકિર્દીના છેલ્લા દિવસ સુધી કંઈક નવું જાણવાની, હરીફો સામે વ્યૂહ બનાવવાની કેટલી બધી ધગશ હતી. તેના નિર્ણયથી મને તો ખૂબ નવાઈ લાગી છે. તે હજી વધુ બે-ત્રણ વર્ષ રમી શક્યો હોત. ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ જેવા દેશોમાં જ્યાંની પિચ પર સ્પિનરને રમવાની ઓછી તક મળતી હોય તેને એવું લાગે કે મારે બેઠા રહીને શું કામ જગ્યા રોકવી, વગેરે. એવું બધુ વિચારીને તેણે કદાચ આ નિર્ણય લઈ લીધો હશે.’
Also Read – IND vs AUS 3rd Test: ગાબા ટેસ્ટ ડ્રો રહી, પાંચમા દિવસે વરસાદે પાડ્યું વિઘ્ન
ચેતેશ્વર પુજારાએ પણ
અશ્વિનની શાનદારને બિરદાવવાની સાથે તેના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. પુજારાએ અશ્વિનને ભવ્ય કરિયર બદલ તેને અને તેના પરિવાર માટે કૉમેન્ટરી બૉક્સમાંથી અભિનંદન પાઠવ્યા હતા. પુજારાના મતે ભારતને મળેલા સ્પિન-લેજન્ડ્સમાં અશ્વિનનો સમાવેશ અચૂક થાય.
ટેસ્ટ વિશ્વના ટોચના 10 બોલર
(1) મુથૈયા મુરલીધરન, 230 ઇનિંગ્સમાં 800 વિકેટ
(2) શેન વોર્ન, 273 ઇનિંગ્સમાં 708 વિકેટ
(3) જેમ્સ એન્ડરસન, 350 ઇનિંગ્સમાં 704 વિકેટ
(4) અનિલ કુંબલે, 236 ઇનિંગ્સમાં 619 વિકેટ
(5) સ્ટુઅર્ટ બ્રોડ, 309 ઇનિંગ્સમાં 604 વિકેટ
(6) ગ્લેન મૅકગ્રા, 243 ઇનિંગ્સમાં 563 વિકેટ
(7) રવિચંદ્રન અશ્વિન, 200 ઇનિંગ્સમાં 537 વિકેટ
(8) નેથન લાયન, 246 ઇનિંગ્સમાં 533 વિકેટ
(9) કોર્ટની વોલ્શ, 242 ઇનિંગ્સમાં 519 વિકેટ
(10) ડેલ સ્ટેન, 171 ઇનિંગ્સમાં 439 વિકેટ.