જયપુર: ચારમાંથી માત્ર એક મૅચ જીતેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ની ટીમ અને અપરાજિત રહીને છ પૉઇન્ટ મેળવી ચૂકેલી રાજસ્થાન રૉયલ્સ (RR)ની ટીમના બહુ ગાજેલા બૅટર્સ આઇપીએલની આ સીઝનમાં હજી જોઈએ એટલે ગરજ્યા નથી એટલે જયપુરમાં શનિવારે (સાંજે 7.30 વાગ્યાથી) તેમને એકમેકની હાજરીમાં પોતાની ટૅલન્ટ અને તાકાત બતાડી દેવાનો બહુ સારો મોકો છે.
RCBમાં વિરાટ કોહલી ચારમાંથી બે ઉમદા ઇનિંગ્સ (77 અને 83 અણનમ) રમ્યો છે, પરંતુ કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (35, 3, 8 અને 19), ગ્લેન મૅક્સવેલ (0, 3, 28 અને 0) અને કૅમેરન ગ્રીન (18, 3, 33 અને 9) અપેક્ષા જેવું નથી રમ્યા. સામી બાજુએ RRનો ઓપનર યશસ્વી જયસ્વાલ પહેલી ત્રણેય મૅચમાં ફ્લૉપ (24, 5 અને 10) રહ્યો છે, જ્યારે સાથી ઓપનર જૉસ બટલરે (11, 11 અને 13) પણ કરોડો ચાહકોને નિરાશ કર્યા છે.
RRની ટીમ પૉઇન્ટ્સમાં બીજા નંબરે અને RCB આઠમા નંબરે છે. ટૂંકમાં, શનિવારે જે ટીમનો ટૉપ-ઑર્ડર હિટ થશે એના વિજયની વધુ સંભાવના છે. RCBને રજત પાટીદારે (0, 18, 3 અને 29) પણ ફરી રમવાનો મોકો મળે તો હવે તો પાણી બતાડવાનું જ છે. 2022માં આ ટીમે તેને માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેનો ભાવ બહુ ઊંચો નથી, પણ ભવિષ્યમાં વધુ કમાણી કરવી હોય તો તેણે આ સીઝનમાં સારું રમી બતાડવું જ પડશે.
બન્ને ટીમ વચ્ચે આઇપીએલમાં અત્યાર સુધીમાં કુલ 30 મુકાબલા થયા છે જેમાંથી 15 બેન્ગલૂરુએ અને 12 રાજસ્થાને જીત્યા છે. ત્રણ મૅચ અનિર્ણીત રહી હતી. 2023માં બેન્ગલૂરુનું રાજસ્થાન પર વર્ચસ્વ હતું. પહેલાં RCBએ બેન્ગલૂરુમાં RRને સાત રનથી અને પછી જયપુરમાં RRને માત્ર 59 રનમાં આઉટ કરીને 112 રનથી વિજય મેળવ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને