IND vs NZ: ટેસ્ટમાં હાર છતાં જાડેજાએ કર્યું આ મોટું કારનામું, બન્યો માત્ર બીજો ભારતીય બોલર
Ravindra Jadeja: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમની (India vs New Zealand Test Series) ભૂંડી હાર થઈ હતી. 3 મેચની સીરિઝ ભારત 0-3થી હાર્યું હતું. મુંબઈમાં રમાયેલી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં પ્રવાસી ટીમે ભારતીય ટીમને 25 રનથી હરાવીને ઈતિહાસ સર્જયો હતો. મુંબઈ ટેસ્ટ મેચમાં (Mumbai Test Match) ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) એક અનોખી સિદ્ધી મેળવી હતી.
જાડેજાએ આ મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરવાની સાથે રવિચંદ્રન અશ્વિનના (Ravichandran Ashwin) રેકોર્ડની બરાબરી કરી હતી. પ્રથમ ઈનિંગમાં 65 રનમાં 5 વિકેટ ઝડપનારા જાડેજાએ બીજી ઈનિંગમાં પણ 5 વિકેટ લીધી હતી. મેચમાં તેણે કુલ 10 વિકેટ ઝડપી હતી. જાડેજાનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ પહેલાં તેણે ગત વર્ષે દિલ્હીમાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે 110 રનમાં 10 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ સામે તેણે 146 રન આપીને 10 વિકેટ લીધી હતી.
જાડેજા મેચમાં 10 વિકટ 3 વખત લઈ ચૂક્યો છે પરંતુ બંને ઈનિંગમાં 5-5 વિકેટ લેવાનું કારનામું પ્રથમ વખત કર્યું હતું. આ રીતે તે મેચમાં 10 વિકેટ લેવાની સાથે ન્યૂઝીલેન્ડ સામે આ પરાક્રમ કરનારો ભારતનો માત્ર બીજો બોલર બન્યો હતો. જાડેજા પહેલાં અશ્વિને આ સિદ્ધી મેળવી હતી. તેણ મેચમાં 10 વિકેટનું પરાક્રમ 8 વખત કરી ચુક્યો છે.
આપણ વાંચો: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ભાજપના ધારાસભ્ય Rivaba Jadejaએ ગણેશ મંડપમાં બનાવ્યા લાડુ
ઘર આંગણે બનાવ્યો આ રેકોર્ડ
મુંબઈ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી ઈનિંગમાં 5 વિકેટ લેવાની સાથે જ જાડેજાએ 13મી વખત ભારતીય ધરતી પર આ ઉપલબ્ધિ મેળવી હતી. જાડેજાએ આ મેચમાં કરેલા ઉત્કૃષ્ટ બોલિંગ પ્રદર્શનથી સર્વાધિક વિકેટ લેવાના મામલે ઝહીર ખાન અને ઈશાંત શર્માને પાછળ રાખી દીધા હતા.
જાડેજાના નામે 77 ટેસ્ટની 146 ઈનિંગમાં 319 વિકેટ છે. ઈશાંત શર્માએ ભારત માટે 105 મેચની 188 ઈનિંગમાં 311 વિકેટ અને ઝહીર ખાને 92 ટેસ્ટની 165 ઈનિંગમાં 311 વિકેટ હાંસલ કરી હતી. જાડેજાએ ઘર આંગણે સૌથી વધુ 5 વિકેટ લેવાના પાકિસ્તાનના અબ્દુલ કાદિરના રેકોર્ડને પણ તોડ્યો હતો.
કાદિરે 12 વખત આ સિદ્ધી મેળવી હતી, બીજી ઈનિંગમાં 5 વિકેટ લઈને જાડેજાએ કાદિરને પાછળ રાખી દીધો હતો. જાડેજાએ ટેસ્ટ કરિયરમાં 15 વખત 5 વિકેટ અને મેચમાં 3 વાર 10 વિકેટ ઝડપી છે.
ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની સિરીઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમને 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)ના પોઈન્ટ ટેબલમાં ભારે નુકશાન થયું છે.
આપણ વાંચો: હું જડ્ડુનું અપહરણ… રવિન્દ્ર જાડેજા માટે આ શું બોલ્યા આર અશ્વિન?
ટીમ ઈન્ડિયા પાસેથી હવે નંબર 1નું સ્થાન છીનવાઈ ગયો છે. ભારતીય ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને આવી ગઈ છે. મેચની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા 62.82ના PCT પોઈન્ટ સાથે પહેલા સ્થાન પર હતી, પરંતુ હવે તે 58.33ના PCT પોઈન્ટ સાથે બીજા સ્થાન પર આવી ગઈ છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ 62.30 PCT પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડની ટીમને WTCના પોઈન્ટ ટેબલમાં ઘણો ફાયદો થયો છે. સિરીઝની ત્રીજી મેચ પહેલા ન્યુઝીલેન્ડ 5માં સ્થાને હતી.
ન્યુઝીલેન્ડનો PTC સ્કોર 50 હતો, પરંતુ આ મેચમાં જીતને કારણે તેનો સ્કોર 54.55 થઈ ગયો, આ સાથે હવે ટીમ WTCના પોઈન્ટ ટેબલમાં હવે ચોથા સ્થાને આવી ગઈ છે. પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા ત્રીજા અને દક્ષિણ આફ્રિકાને 5માં સ્થાને છે.