જાડેજા હવે બેદીની બરાબરીમાં, ઝહીર-ઇશાંતને પાછળ પાડી દીધા
મુંબઈ: લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વિકેટની સિદ્ધિની બાબતમાં મહાન ભારતીય સ્પિનર બિશનસિંહ બેદીની બરાબરી કરી લીધી છે. બેદીની જેમ જાડેજાએ પણ ટેસ્ટના એક દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ 14મી વાર મેળવી છે.
જાડેજાએ એકસાથે બે ભારતીય બોલરને રેકૉર્ડ-બુકમાં પાછળ રાખી દીધા છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલર્સમાં જાડેજા હવે ઝહીર ખાન અને ઇશાંત શર્માથી આગળ થઈ ગયો છે.
જાડેજાએ શુક્રવારે વાનખેડેમાં 65 રનમાં પાંચ વિકેટ લીધી હતી. બેદીએ 1966થી 1979 દરમ્યાન ભારત વતી ટેસ્ટના એક દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ 14 વાર મેળવી હતી. ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ 67 વાર દાવમાં પાંચ કે વધુ વિકેટ લેવાનો વિશ્ર્વવિક્રમ મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 67 વખત દાવમાં પાંચ કે વધુ શિકાર કર્યા હતા.
આપણ વાંચો: ખાલેદ અહેમદની વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજાએ આ રેકોર્ડ બનાવ્યો, અશ્વિન અને કપિલ દેવને પાછળ છોડ્યા
ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં જાડેજાએ ઝહીર ખાન અને ઇશાંત શર્માને પાછળ મૂકી દીધા છે. ટેસ્ટમાં જાડેજાની 314 વિકેટ થઈ છે. ઝહીર તથા ઇશાંતના નામે 311 વિકેટ છે. ભારતીયોમાં સૌથી વધુ (619 વિકેટ) સ્પિનર અનિલ કુંબલેએ લીધી છે.
ભારત વતી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાં જાડેજાથી હવે કુંબલે (619) ઉપરાંત અશ્ર્વિન (533), કપિલ દેવ (434) અને હરભજન સિંહ (417) આગળ છે.