
નવી દિલ્હી: ભારતના લોકપ્રિય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની નવી ઇનિંગ્સ શરૂ થઈ રહી છે. તેણે રાજકારણમાં ઝંપલાવ્યું છે. તે ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં જોડાયો છે. તેની પત્ની રિવાબા ભાજપની વિધાનસભ્ય છે જેણે પતિ રવીન્દ્ર વિશેના આ સમાચાર સોશિયલ મીડિયા પરના પોતાના હૅન્ડલ પર શૅર કર્યા હતા તેમ જ થોડા સમય પહેલાં આ દંપતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે તસવીર પડાવી હતી એ તસવીર પણ રિવાબાએ મીડિયામાં શૅર કરી છે.

રિવાબાએ એક પોસ્ટમાં પતિ રવીન્દ્ર જાડેજા સાથેની તસવીર પક્ષના નવા મેમ્બર તરીકે શૅર કરી છે. એ પોસ્ટમાં રિવાબાએ ભાજપ મેમ્બરશિપ કાર્ડ પણ શૅર કર્યું છે.
આ પણ વાંચો: 1000 રન, 100 કૅચ, 100 વિકેટ: જાડેજા જેવો કોઈ નહીં
તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ પક્ષના મેમ્બરશિપ અભિયાનનો આરંભ કર્યો હતો જેમાં તેમણે પીએમ મોદીની મેમ્બરશિપ બીજી સપ્ટેમ્બરે રિન્યૂ કરી હતી.
જાડેજાની પત્ની રિવાબા 2019માં ભાજપમાં જોડાઈ હતી. 2022ની ગુજરાત રાજ્યની ચૂંટણીમાં તે ભાજપ વતી જામનગરની બેઠક પરથી લડી હતી અને એ મતવિસ્તારમાં રિવાબાએ ‘આપ’ના ઉમેદવાર કરસનભાઈ કર્મુરને હરાવ્યા હતા.
આ પણ વાંચો: અનિરુદ્ધ જાડેજાના ઈન્ટરવ્યુ બાદ ગુસ્સામાં Rivaba Jadejaએ આપી આવી પ્રતિક્રિયા…
35 વર્ષના રવીન્દ્ર જાડેજાએ જૂનમાં ટી-20 વર્લ્ડ કપને અંતે ટી-20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયરમેન્ટ લીધું હતું. જોકે તે ટેસ્ટ અને વન-ડે ફૉર્મેટમાં તેમ જ આઇપીએલમાં રમતો રહેશે. તે 19મી સપ્ટેમ્બરે ભારતમાં બાંગ્લાદેશ સામે શરૂ થનારી ટેસ્ટ-સિરીઝમાં રમતો જોવા મળી શકે.
તે પત્ની રિવાબા માટેના ચૂંટણી પ્રચારમાં તેમ જ કેટલાક રોડ-શોમાં જોવા મળ્યો હતો. હવે ખુદ જાડેજા ભાજપનો મેમ્બર બની ગયો છે.