મને હંમેશાં જાડેજાની ઈર્ષ્યા થાય છે: અશ્વિન…
ચેન્નઈ: રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ બોલિંગના તરખાટ ઉપરાંત જોડીમાં ચમકવા કરતાં ખાસ કરીને અલગ રીતે બૅટિંગમાં ભારતને ઘણી મૅચો જિતાડી છે. અશ્વિનની ટેસ્ટમાં છ સદી છે અને જાડેજાની ચાર છે. બન્ને ઑલરાઉન્ડરે પોતપોતાની રીતે ઘણી સિદ્ધિઓ મેળવી છે અને બન્ને વચ્ચે બહુ સારા તાલમેલ ઉપરાંત બહુ સારી મિત્રતા પણ છે. અશ્વિને એનો વધુ એક પુરાવો શુક્રવારે બાંગ્લાદેશ સામેની ટેસ્ટના બીજા દિવસની રમત બાદ આપ્યો હતો.
અશ્વિન અને જાડેજા વચ્ચે પહેલા દાવમાં 199 રનની ભાગીદારી થઈ હતી.
અશ્વિને પત્રકારો સાથેની વાતચીતમાં જાડેજાના ભરપેટ વખાણ કરવાની સાથે થોડી રમૂજ કરતા કહ્યું, ‘મને હંમેશાં જાડેજાની ઈર્ષ્યા થતી હોય છે. તે ટીમ ઇન્ડિયાને મળેલી ઈશ્વરની દેન છે. તે એટલો બધો ટૅલન્ટેડ છે કે પોતાની ક્ષમતાને હંમેશાં વધારતો જાય છે. મને ક્યારેક થાય કે હું તેના જેવો હોત તો કેવું સારું થાત! જોકે મને મારાપણું પણ ખૂબ ગમે છે.’
અશ્વિને પત્રકારોને એવું પણ કહ્યું કે ‘સામા છેડે જાડેજા હતો એનાથી મને છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારવા માટેની ઇનિંગ્સ ડેવલપ કરવામાં મદદ મળી હતી.’