‘જડ્ડુભાઈ, આપ હી દિખ રહે હો ચારોં તરફ’…રિષભ પંતની આ કમેન્ટ થઈ વાઇરલ
ગુરુવારે પંતે બાંગ્લાદેશી વિકેટકીપરને પૂછ્યું, ‘લેકિન મેરે કો ક્યૂં માર રહે હો?’
ચેન્નઈ: કૅપ્ટન રોહિત શર્મા રમતી વખતે સાથી ખેલાડી સાથે મજાકમાં કંઈક બોલતો હોય કે ઠપકો આપતો હોય કે પછી કોઈ હરીફ ખેલાડી સાથે તેની ચકમક થઈ હોય અને તેની (રોહિતની) ટિપ્પણી સ્ટમ્પ-માઇક મારફત કરોડો ક્રિકેટ-ચાહકો સુધી પહોંચી જતી હોય એ સામાન્ય થઈ ગયું છે, પરંતુ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં શુક્રવારના બીજા દિવસે વિકેટકીપર-બૅટર રિષભ પંત બૅટિંગ દરમ્યાન જે બોલ્યો એ કમેન્ટ વાઇરલ થઈ છે.
જાડેજા પહેલા દાવની લડાયક ઇનિંગ્સમાં 86 રન બનાવીને અને રવિચન્દ્રન અશ્ર્વિન સાથે સાતમી વિકેટ માટે 199 રનની ભાગીદારી કરીને કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગ પર છવાઈ ગયો હતો અને ત્યાર પછી તેણે માત્ર 19 રનમાં બાંગ્લાદેશની બે વિકેટ પણ લીધી હતી. જાડેજાની ફીલ્ડિંગ કાબિલેદાદ છે એટલે અશ્ર્વિનની સાથે તેની પણ બોલબાલા હોય એમાં કોઈ નવાઈ નથી.
શુક્રવારે જાડેજાની પહેલી ઓવરમાં માત્ર ત્રણ રન બન્યા હતા. સામાન્ય રીતે વિકેટકીપર અને બોલર વચ્ચે બહુ સારો તાલમેલ હોય છે અને એને કારણે હરીફ ટીમના બૅટર પર માનસિક દબાણ આવી જતું હોય છે. પંત અને જાડેજાની બાબતમાં પણ આવું જ બન્યું. બાંગ્લાદેશની ટીમ પહેલા દાવમાં 149 રનમાં તંબુ ભેગી થઈ ગઈ એ પહેલાં એક તબક્કે એણે 79 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એક ઓવર દરમ્યાન જાડેજાનું પોરસ ચડાવવા પંત બોલ્યો, ‘જડ્ડુભાઈ, ચારોં તરફ આપ હી દિખ રહે હો આજ.’
પંતની આ કમેન્ટ સ્ટમ્પ માઇકમાં રેકૉર્ડ થઈ ગઈ હતી અને જે શ્રોતાઓ કૉમેન્ટરી સાંભળી રહ્યા હતા તેમને એ સંભળાઈ હતી.
દરમ્યાન, 634 દિવસે ટેસ્ટ ક્રિકેટમાં કમબૅક કરનાર રિષભ પંતની ગુરુવારના પ્રથમ દિવસે બાંગ્લાદેશના વિકેટકીપર લિટન દાસ સાથે થોડી ચકમક પણ થઈ ગઈ હતી.
પેસ બોલર હસન મહમૂદે ભારતના ટૉપ-ઑર્ડરના ત્રણ બૅટર (રોહિત, ગિલ, વિરાટ)ની વિકેટ લીધી ત્યાર બાદ ચોથી વિકેટ માટે યશસ્વી સાથે પંત વચ્ચે 62 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. જોકે એ દરમ્યાન એક તબક્કે યશસ્વીએ જ્યારે સિંગલ રન દોડવાનો પ્રયાસ કર્યો ત્યારે પંતે એ રન ટાળવાનો નિર્ણય લીધો હતો. એમ છતાં લિટન દાસે બૉલ ફેંક્યો હતો જે પંતના પૅડને લાગીને દૂર ગયો હતો. પરિણામે, યશસ્વી અને પંત સિંગલ દોડી ગયા હતા. દાસને આ ન ગમ્યું, કારણકે સામાન્ય રીતે બૉલ ડિફ્લેક્ટ થઈ જાય ત્યાર બાદ રન નથી દોડવામાં આવતો. પંતની એ તબક્કે દાસ સાથે દલીલ થઈ હતી જેમાં પંતે તેને બૉલ પોતાના પર ફેંકવાને બદલે સાથી ફીલ્ડરને આપવાની સલાહ આપતા કહ્યું, ‘ઉસ કો ફેંકોના ભાઈ, મુઝે ક્યૂં માર રહે હો.’