નેશનલસ્પોર્ટસ

ખેલજગતના આ દિગ્ગજોએ રતન ટાટાને આપી હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર તેમ જ વિરાટ કોહલી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, કે. એલ. રાહુલ, હરભજન સિંહ, મોહમ્મદ શમી, સુરેશ રૈના તેમ જ પૅરિસ ઑલિમ્પિક્સના મેડલ-વિજેતાઓ નીરજ ચોપડા, મનુ ભાકર સહિત અનેક ખેલાડીઓએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી છે.

ઉદ્યોગસમ્રાટ રતન ટાટાનું બુધવારે 86 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમણે ઉદ્યોગ-વેપારમાં તેમ જ સમાજ સેવામાં પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી હતી અને અનેક ક્ષેત્રોના કરોડો લોકો માટે તેઓ પ્રેરણારૂપ રહ્યા.

સચિન તેન્ડુલકર ગુરુવારે સવારે સદગત રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા કોલાબામાં તેમના નિવાસસ્થાને આવ્યો હતો. ત્યાર બાદ સચિને સોશિયલ મીડિયામાં શ્રી રતન ટાટા સાથેની તસવીર શૅર કરવાની સાથે હૃદયસ્પર્શી પોસ્ટમાં લખ્યું, ‘શ્રી રતન ટાટા સમગ્ર જીવન દરમ્યાન દેશભરમાં કરોડો લોકોના દિલોદિમાગ પર છવાયેલા રહ્યા અને હવે તેમની વિદાય બદલ આખો દેશ ગમગીન છે. મને તેમની સાથે અમૂલ્ય સમય માણવાનો અવસર મળ્યો હતો. જોકે કરોડો લોકો જેઓ કદી તેમને મળ્યા નહોતા તેઓ પણ આજે મારા જેવી જ ઉદાસીનતા મહેસૂસ કરી રહ્યા હશે. આ તેમની અનેરી છાપ હતી. પ્રાણીઓ પ્રત્યેના પ્રેમથી માંડીને ઉદાર દિલથી દાન કરવાની તેમની ભાવના બતાવે છે કે જેઓ પોતાની કાળજી રાખવા અસમર્થ હોય તેમની કાળજી જો આપણે રાખીએ તો જ આપણે ખરી પ્રગતિ હાંસલ કરી શકીએ. શ્રી રતન ટાટા, ઈશ્ર્વર તમારા આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના. તમારા સદગુણોનો વારસો તમારી સંસ્થાઓ મારફત તેમ જ તમે જે મૂલ્યો સ્થાપિત કર્યા એ મારફત હંમેશાં જીવંત રહેશે.’

વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પરના શોકસંદેશમાં લખ્યું, ‘રતન ટાટા સર, તમે હંમેશાં અમારા હૃદયમાં જીવંત રહેશો. ઈશ્ર્વર તમારા આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.’

આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકાર કેન્દ્રને રતન ટાટાને ભારત રત્ન એનાયત કરવાની વિનંતી કરશે

રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર તેમને અંજલિ આપતી પોસ્ટ શૅર કરી હતી જેમાં રોહિતે લખ્યું, ‘સોનેરી હૃદયવાળી હસ્તી…તમને હંમેશાં આ જ રૂપમાં યાદ કરવામાં આવશે. આપણે એવી હસ્તી ગુમાવી છે જેમણે વાસ્તવમાં અન્યોની પરવા કરી અને અન્યોના કલ્યાણ માટે જીવન જીવ્યા.’

મોહમ્મદ શમીએ રતન ટાટાને અંજલિ આપતી પોસ્ટમાં લખ્યું, ‘રતન ટાટા સર, તમે તમારું જીવન દેશના વિકાસ માટે સમર્પિત કર્યું. તમારી વિનમ્રતા, દૂરંદેશીપણું અને કરુણા અમને હંમેશાં પ્રેરિત કરતી રહેશે.’
કે. એલ. રાહુલે જણાવ્યું, ‘રતન ટાટા આપણા બધા માટે એક અમૂલ્ય ઉદાહરણ છે.’

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને જણાવ્યું, ‘મહાન લીડર રતન ટાટાના અવસાનથી મને ખૂબ દુ:ખ થયું છે.’
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ સોશિયલ મીડિયામાં લખ્યું, ‘ભારતે એક ખરા આઇકન ગુમાવ્યા છે. રતન ટાટા સરે તેમના દૂરંદેશીવાળા નેતૃત્વ, કરુણા તેમ જ લોકોના કલ્યાણ માટેની અતૂટ પ્રતિબદ્ધતાની આપણા દેશ અને દુનિયા પર અમીપ છાપ છોડી છે. તેમણે વારસામાં છોડેલા આ સદગુણો આપણને સહુને હંમેશાં પ્રેરિત કરશે.’

સૂર્યકુમાર યાદવ અને હરભજન સિંહે પણ હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ આપી છે. સૂર્યાએ પોસ્ટમાં લખ્યું, ‘એક યુગનો અંત આવી ગયો. રતન ટાટા દયાભાવનાના પ્રતીક હતા, સૌથી મોટા પ્રેરણારૂપ હતા અને એક અદભુત વ્યક્તિ હતા. સર, તમે અનેકનાં દિલ જીતી લીધા હતા. તમારું સમગ્ર જીવન રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ રહ્યું છે. તમે દેશને અવિરતપણે અને નિ:સ્વાર્થ ભાવના સાથે જે સેવા આપી એ બદલ તમારો આભાર. આ બધા સદગુણોનો તમારો વારસો હંમેશાં જીવંત રહેશે.’

હરભજન સિંહે પણ રતન ટાટાને હૃદયસ્પર્શી શબ્દોમાં અંજલિ આપી છે. ભજ્જીએ લખ્યું, ‘રતન ટાટાજી, તમે આધુનિક ભારતના નિર્માતાઓમાંની એક હસ્તી તરીકે હંમેશાં અમારા દિલમાં જીવંત રહેશો. તેમણે અસાધારણ નેતૃત્વ, વિનમ્રતા, નૈતિકતા તેમ જ મૂલ્યો પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા બદલ અનેરી ઓળખ સ્થાપિત કરી છે. તેમના આ સદગુણો આવનારી અનેક પેઢીઓને પ્રેરિત કરતા રહેશે.’

ભાલાફેંકના ઑલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ એક્સ (ટ્વિટર) પર લખ્યું, ‘શ્રી રતન ટાટાના નિધનના સમાચાર જાણીને મને ખૂબ દુ:ખ થયું છે. તેઓ દીર્ઘદૃષ્ટા હતા અને હું તેમને મળ્યો ત્યારે તેમની સાથે જે વાતચીત થઈ હતી એ હું ક્યારેય નહીં ભૂલું. તેમણે સમગ્ર રાષ્ટ્રને પોતાના સદગુણોથી પ્રેરિત કર્યું. ઈશ્ર્વર તેમના આત્માને પરમ શાંતિ અર્પે અને તેમના સ્વજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.’

પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરે રતન ટાટાને અસાધારણ માનવી તેમ જ દીર્ઘદૃષ્ટિવાળા ઉદ્યોગપતિ તથા દાનવીર તરીકે ઓળખાવીને તેમને અંજલિ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button