મુંબઈ, બરોડા જીત્યાઃ સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતની મૅચ પણ ડ્રૉ…

શ્રીનગર/કટકઃ રણજી ટ્રોફી (ranji trophy)ની નવી સીઝનના પ્રથમ રાઉન્ડમાં શનિવારે ચોથા અને આખરી દિવસે મુંબઈ તેમ જ બરોડાની ટીમે પોતપોતાની મૅચમાં રોમાંચક વિજય મેળવ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતે (Gujarat) પોતપોતાના મુકાબલા ડ્રૉમાં જતા જોવા પડ્યા છે. બેન્ગાલે ઉત્તરાખંડને આઠ વિકેટે હરાવ્યું હતું. મોહમ્મદ શમી કુલ સાત વિકેટ લેવા બદલ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
શ્રીનગરમાં મુંબઈએ શાર્દુલ ઠાકુરના સુકાનમાં 35 રનથી વિજય મેળવ્યો હતો. જમ્મુ-કાશ્મીરની ટીમ 243 રનના લક્ષ્યાંક સામે 207 રનમાં આઉટ થઈ ગઈ હતી. મુંબઈના શમ્સ મુલાનીએ સૌથી વધુ સાત વિકેટ લીધી હતી.

બરોડાને ઓડિશા તરફથી જીતવા માત્ર 33 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બરોડાએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ શિવાલિક શર્મા (32 અણનમ, 26 બૉલ, છ ફોર)ની વધુ એક શાનદાર ઇનિંગ્સની મદદથી 3/36ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો.
રાજકોટમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટકની મૅચ ડ્રૉમાં ગઈ હતી. જોકે પ્રથમ દાવની ચાર રનની સરસાઈ બદલ સૌરાષ્ટ્રને ત્રણ પૉઇન્ટ મળ્યા હતા, જ્યારે કર્ણાટકને એક જ પૉઇન્ટ મળ્યો હતો.
અમદાવાદમાં ગુજરાત અને આસામની મૅચ પણ ડ્રૉમાં પરિણમી હતી. ગુજરાતે પ્રથમ ઇનિંગ્સમાં 72 રનની લીડ લીધી એ બદલ એને ત્રણ પૉઇન્ટ મળ્યા હતા. આસામને એક જ પૉઇન્ટ મળ્યો હતો.