રણજી ટ્રોફી: મુંબઈની ટીમનું શાનદાર પ્રદર્શન, બિહારને એક દાવ અને એકાવન રનથી હરાવ્યું
પટણા: રણજી ટ્રોફીમાં વિક્રમજનક 41 વખત ચૅમ્પિયન અને છ વાર રનર-અપ બનેલા મુંબઈની ટીમે પટણામાં ચોથા અને આખરી દિવસે યજમાન બિહારને એક દાવ અને 51 રનથી હરાવીને સિઝનની પહેલી મૅચ જીતીને વિજયી શ્રીગણેશ કર્યા હતા. બિહારની ટીમ સેકન્ડ ઇનિંગ્સમાં પણ 100 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈની ટીમ એલીટ-ગ્રુપ ‘બી’માં 7 પૉઇન્ટ સાથે પહેલા સ્થાને છે.
શમ્સ મુલાનીના સુકાનમાં મુંબઈએ પ્રથમ દાવમાં સાધારણ પર્ફોર્મ કરીને 251 રન બનાવ્યા હતા, પરંતુ પહેલા દાવમાં 100 રનના સ્કોર પર આઉટ થઈ જનારી બિહારની ટીમનો બીજા દાવમાં પણ 100 રનમાં વીંટો વળી ગયો હતો.
મુંબઈ વતી પેસ બોલર મોહિત અવસ્થીએ પ્રથમ દાવમાં છ વિકેટ લીધી હતી, જ્યારે બીજા ફાસ્ટ બોલર શિવમ દુબેને બે વિકેટ મળી હતી. બીજી ઇનિંગ્સમાં મોહિતને એક વિકેટ મળી હતી, જ્યારે શિવમ દુબેએ ચાર વિકેટ તથા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર રૉયસ્ટન ડાયસે ત્રણ વિકેટ લીધી હતી. મુલાની અને કોટિયનને પણ એક-એક વિકેટ મળી હતી. બિહારની ટીમમાં ઓપનર શરમન નિગ્રોધના 40 રન હાઇએસ્ટ હતા.
શુક્રવારે આ મૅચની શરૂઆત પહેલાં અભૂતપૂર્વ ઘટના બની હતી. મુંબઈ સામે રમવા માટે પટનાના મેદાન પર બિહારની એકસાથે બે ટીમ રમવા આવી હતી. બિહાર ક્રિકેટ અસોસિયેશનના અધિકારીઓ વચ્ચેના ગજગ્રાહના કારણે આવું બન્યું હતું. તેમણે પોતપોતાની અલગ ટીમ રમવા મોકલી હતી. ઝઘડો થયા બાદ અને પોલીસની દરમ્યાનગીરી પછી અસોસિયેશનના પ્રમુખ રાકેશ તિવારીએ પસંદ કરેલી ટીમને મુંબઈનો સામનો કરવા મેદાન પર મોકલવામાં આવી હતી.
દરમ્યાન વડોદરામાં બરોડાની ટીમે ઓડિશાને 147 રનથી હરાવી દીધી હતી.