રણજી ટ્રોફીઃ ગુજરાતની મૅચનો પ્રથમ દિવસ ધોવાઈ ગયા બાદ બીજા દિવસે પડી 14 વિકેટ

અમદાવાદઃ મહિલા વન-ડે વર્લ્ડ કપ અને પુરુષોની ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝના માહોલ વચ્ચે ભારતમાં રમાતી રણજી ટ્રોફીની મૅચોના પર્ફોર્મન્સ અધૂરા રહ્યા હતા, પણ રવિવારે એમાં એક હટકે ઘટના બની હતી. અહીં અમદાવાદમાં ગુજરાત અને હરિયાણા વચ્ચેની મૅચમાં શનિવારના પ્રથમ દિવસે વરસાદને લીધે રમત નહોતી થઈ શકી, પરંતુ રવિવારે રમત એવી થઈ કે એમાં કુલ 14 વિકેટ પડી. ગુજરાતની ટીમ પ્રથમ દાવમાં 163 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં ક્ષિતિજ પટેલ (50 રન)ની હાફ સેન્ચુરી અને આર્ય દેસાઈના 35 રન સામેલ હતા. હરિયાણાના નિશાંત સિંધુ અને નિખિલ કશ્યપે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
ગુજરાતનો દાવ વહેલો પૂરો થયા બાદ હરિયાણાની ટીમ 90 રનમાં ચાર વિકેટ ગુમાવી બેઠી હતી. ગુજરાતના પેસ બોલર વિશાલ જયસ્વાલે બે વિકેટ તેમ જ જાણીતા સ્પિનર રવિ બિશ્નોઈ અને સિદ્ધાર્થ દેસાઈએ એક-એક વિકેટ મેળવી હતી.
દિલ્હીમાં દિલ્હીની ટીમે 294 રન કર્યા બાદ પુડુચેરીએ 240 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી.
જયપુરમાં મુંબઈની ટીમ યશસ્વી જયસ્વાલના 67 રન બાદ 254 રને ઑલઆઉટ થઈ હતી. રાજસ્થાને જવાબમાં દીપક હૂડાના 121 રન અને સચિન યાદવના 92 રનની મદદથી ચાર વિકેટે 337 રન કર્યા હતા.
વડોદરામાં બરોડા અને ઉત્તર પ્રદેશની મૅચમાં બીજા દિવસે પણ વરસાદને લીધે રમત નહોતી થઈ શકી. જોકે નાશિકમાં મહારાષ્ટ્ર સામે સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં વરસાદને એકધારા વિઘ્નને લીધે થઈ શકેલી માત્ર 12 ઓવરમાં એક વિકેટે 61 રન કર્યા હતા.
ચંડીગઢમાં ગોવા સામે પંજાબે પ્રથમ દાવમાં 325 રન કર્યા હતા. ગોવા વતી રમતા અર્જુન તેન્ડુલકરને 58 રનમાં એક જ વિકેટ મળી હતી. ગોવાએ વિના વિકેટે 92 રન કર્યા હતા.
મંગલપુરમમાં કેરળ સામે કર્ણાટકે કરુણ નાયરના 233 રન અને રવિચન્દ્રન સ્મરણના અણનમ 220 રનની મદદથી 5/586ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો ત્યાર બાદ કેરળે ત્રણ વિકેટે 21 રન કર્યા હતા.



