6, 6, 6, 6, 6, 6, 6, 6ઃ સુરતમાં રણજી બૅટ્સમૅનનો સતત આઠ બૉલમાં આઠ છગ્ગાનો વિશ્વવિક્રમ…

સુરતઃ અહીં રણજી ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામેની મૅચમાં મેઘાલયના આકાશ કુમાર ચૌધરી (Akash Chaudhary) નામના બૅટ્સમૅને કમાલ કરી નાખી. તેણે બે બોલરની બોલિંગને ચીંથરેહાલ કરી નાખી. આકાશે લાગલગાટ આઠ બૉલમાં આઠ સિક્સર (8 sixers) ફટકારવાનો નવો વિશ્વવિક્રમ કર્યો છે.
આકાશે મેઘાલયની 126મી અને 127મી ઓવરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે અરુણાચલના 34 વર્ષની ઉંમરના લિમર ડાબી નામના લેફ્ટ-આર્મ સ્પિનરની ઓવરના તમામ છ બૉલમાં છ છગ્ગા ફટકારી દીધા હતા. ત્યાર પછી આકાશે અરુણાચલના ટીએમઆર મોહિત નામના ઑફ-સ્પિનરના પ્રથમ બે બૉલમાં પણ સિક્સર મારી હતી. એ સાથે તેણે સતત આઠ બૉલમાં ઊંચા શૉટ ફટકાર્યા હતા જેમાં આઠ સિક્સર તેના નામે લખાઈ હતી.
રણજી ટ્રોફી સહિતની બીજી ડોમેસ્ટિક મૅચો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટનો હિસ્સો ગણાય છે અને આ પ્રકારની ક્રિકેટમાં આ નવો વિશ્વવિક્રમ છે. પચીસ વર્ષનો આકાશ ચૌધરી રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન છે અને તે વિસ્ફોટક બૅટિંગ માટે જાણીતો છે.
આકાશ વિશ્વનો એવો માત્ર ત્રીજો બૅટ્સમૅન છે જેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ઓવરના છ બૉલમાં છ સિક્સર ફટકારી છે. આ પહેલાં, સર ગૅરી સોબર્સ અને રવિ શાસ્ત્રી આ સિદ્ધિ મેળવી ચૂક્યા હતા.
11 બૉલમાં હાફ સેન્ચુરીનો વિક્રમ
આકાશ ચૌધરીએ માત્ર 11 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા અને આટલા ઓછા બૉલમાં હાફ સેન્ચુરી ફટકારનારો તે પહેલો બૅટ્સમૅન છે. તેણે 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. 2012માં લિસેસ્ટરશર કાઉન્ટી ટીમના વેન નાઇટ નામના બૅટ્સમૅને 12 બૉલમાં 50 રન કર્યા હતા. ક્લાઇવ ઇનમૅન નામના ખેલાડીએ 1965માં 13 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. આકાશે આ બન્નેને પાછળ રાખી દીધા છે.
મેઘાલય એક દાવથી જીતી શકે
મેઘાલયે પ્રથમ દાવ 6/628ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો. એમાં અર્પિત ભાટેવારા (207 રન), રાહુલ દલાલ (144 રન) અને કૅપ્ટન કિશન લિન્ગડો (119 રન) તથા અજય દુહાન (53 રન)ના સૌથી મોટા યોગદાનો હતા, પણ આકાશ ચૌધરી સતત આઠ છગ્ગા ફટકારીને વધુ છવાઈ ગયો હતો. અરુણાચલના ત્રણ બોલરની બોલિંગમાં 100થી વધુ રન થયા હતા.
અરુણાચલની ટીમ પ્રથમ દાવમાં 73 રનમાં ઑલઆઉટ થઈ અને ફૉલો-ઑન બાદ બીજા દાવમાં એણે 29 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. મેઘાલયની ટીમ હજી 526 રનથી આગળ છે અને સોમવારે એક દાવથી જીતી શકે.
આ પણ વાંચો…6, 6, 6, 6, 6, 6ઃ કુવૈતના પટેલની એક ઓવરમાં પાકિસ્તાની બૅટ્સમૅનના છ છગ્ગા…



