રણજીની નવી સીઝનમાં બરોડા ત્રણ મૅચ રમ્યું અને ત્રણેયમાં…
સૌરાષ્ટ્રની બીજી હાર, પણ મુંબઈ અને ગુજરાતે મેળવી સરસાઈ
વડોદરા: રણજી ટ્રોફીની નવી સીઝનમાં બરોડાએ કમાલ કરી નાખી. બરોડાએ જીતની હૅટ-ટ્રિક નોંધાવી દીધી છે. ચાર દિવસની મૅચમાં બરોડાએ સોમવારના ત્રીજા દિવસે ઓડિશા સામે એક ઇનિંગ્સથી વિજય મેળવી લીધો હતો.
ભારત વતી રમી ચૂકેલા ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાના સુકાનમાં બરોડાએ ઓડિશાને એક દાવ અને 98 રનથી હરાવી દીધું હતું.
કૃણાલ પંડ્યાને 119 રન તેમ જ એક વિકેટના પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
ઓડિશાએ પ્રથમ દાવમાં 193 રન બનાવ્યા પછી બરોડાએ 456 રન બનાવ્યા હતા. લેફટ-આર્મ સ્પિનર નિનાદ રાઠવાની છ વિકેટને લીધે ઓડિશાની ટીમ બીજા દાવમાં ફક્ત 165 રનમાં આઉટ થઈ ગઈ હતી. મહેશ પિઠીયા અને ભાર્ગવ ભટ્ટે બે-બે વિકેટ લીધી હતી.
બરોડાએ પહેલી બે મૅચમાં મુંબઈ અને સર્વિસીઝને હરાવ્યું હતું અને હવે ત્રીજી મૅચ પણ જીતી લીધી છે. ગ્રુપ ‘એ’માં બરોડાની ટીમ 19 પોઇન્ટ સાથે મોખરે છે.
આ પણ વાંચો : ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદીઃ બ્રાયન લારાના રેકોર્ડને તોડ્યો
રાજકોટમાં રેલવે સામે સૌરાષ્ટ્રનો 37 રનથી પરાજય થયો હતો. રેલવેની ટીમ પહેલા દાવમાં 38 રનની લીડ લીધા પછી બીજા દાવમાં ફક્ત 141 રનમાં આઉટ થઈ ગઈ હતી. જોકે સૌરાષ્ટ્રની ટીમ 180 રનનો નાનો ટાર્ગેટ પણ નહોતી મેળવી શકી અને 142 રનમાં આ ટીમનો બીજો દાવ સમેટાઇ ગયો હતો. શેલ્ડન જેક્સને 44 રન બનાવ્યા હતા, પરંતુ ચેતેશ્વર પુજારાએ ત્રણ રનમાં વિકેટ ગુમાવી દીધી હતી. હાર્વિક દેસાઈ (1) અને ચિરાગ જાની (20) પણ સારું નહોતા રમી શક્યા. રેલવેના સ્પિનર અયાન ચૌધરીએ પાંચ અને બીજા સ્પિનર કર્ણ શર્માએ ચાર વિકેટ લીધી હતી.
મુંબઈ અગરતલામાં ત્રીજા દિવસે ત્રિપુરા સામે 155 રનની સરસાઈમાં હતું. મુંબઈના પ્રથમ દાવના 450 રનના જવાબમાં ત્રિપુરાએ 302 રન કર્યા હતા. મુંબઈએ 148 રનની સરસાઇ લીધી હતી. સોમવારના ત્રીજા દિવસે મુંબઈ બીજા દાવમાં સાત રનમાં બે વિકેટ ગુમાવી બેઠું હતું.
જયપુરમાં ગુજરાત ત્રીજા દિવસે રાજસ્થાન સામે 145 રનથી આગળ હતું. ગુજરાતના 335 રનના જવાબમાં રાજસ્થાનની ટીમ 319 રનમાં આઉટ થઈ જતાં ગુજરાતે 16 રનની સરસાઈ લીધી હતી. ગુજરાતના બે લેફટ-આર્મ ફાસ્ટ બોલર અર્ઝન નાગવાસવાલા અને જયમીત પટેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ ત્રીજા પેસ બોલર ચિંતન ગજાએ અને એક વિકેટ સ્પિનર રવિ બિશ્ર્નોઈએ લીધી હતી. સોમવારના ત્રીજા દિવસે ગુજરાતનો બીજા દાવનો સ્કોર ચાર વિકેટે 129 રન હતો