સ્પોર્ટસ

સોમવારથી રણજી ટ્રોફીની પાંચ દિવસીય સેમિ ફાઇનલ

નાગપુરમાં મુંબઈ વિરુદ્ધ વિદર્ભ અને અમદાવાદમાં ગુજરાત વિરુદ્ધ કેરળ

નાગપુર/અમદાવાદઃ રણજી ટ્રોફીની સીઝનમાં ક્લાઇમૅક્સના દિવસો આવી ગયા છે જેમાં આવતી કાલે (સોમવારે) પાંચ દિવસીય સેમિ ફાઇનલ શરૂ થઈ રહી છે. ડિફેન્ડિંગ મુંબઈનો મુકાબલો વિદર્ભ સામે થવાનો હોવાથી ગયા વર્ષની ફાઇનલનું રિરન થયું કહેવાશે. યશસ્વી જયસ્વાલ ઈજાને કારણે મુંબઈ વતી નહીં રમે. તેને તાજેતરમાં જ ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની બહાર કર્યો હતો અને તેના સ્થાને વરુણ ચક્રવર્તીને સ્થાન અપાયું છે. 19મીએ શરૂ થનારી ચૅમ્પિયન્સ ટ્રોફી માટે રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ દુબઈ પહોંચી ગઈ છે અને પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ભારતની પ્રથમ મૅચ 20મીએ બાંગ્લાદેશ સામે રમાશે.

રણજી સેમિ ફાઇનલમાં રહાણે મુંબઈનો અને અક્ષય વાડકર વિદર્ભનો સુકાની છે. મુંબઈની ટીમમાં સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, તનુષ કોટિયન, શમ્સ મુલાની, સિદ્ધેશ લાડ, આયુષ મ્હાત્રે, મોહિત અવસ્થી વગેરે સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે. મુંબઈએ ખાસ કરીને વિદર્ભના ઇન્ફૉર્મ બૅટર કરુણ નાયરને કાબૂમાં રાખવો પડશે. અક્ષય વખારે, ધ્રુવ શોરે, યશ ઠાકુર, સિદ્ધેશ વાથ, અથર્વ ટેઇડ, દર્શન નાલકંડે વગેરે જાણીતા ખેલાડીઓ પણ વિદર્ભની ટીમમાં છે.

Also read: રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ: મુંબઈ સામે બરોડાને કેવી રીતે ‘ફાયદા હી ફાયદા’?

સોમવારથી અમદાવાદની પાંચ દિવસીય સેમિ ફાઇનલ ગુજરાત અને કેરળ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચિંતન ગજા ગુજરાતનો અને સચિન બૅબી કેરળનો સુકાની છે. ગુજરાતના બીજા જાણીતા ખેલાડીઓમાં પ્રિયાંક પંચાલ, હેત પટેલ, સિદ્ધાર્થ દેસાઈ, ઉર્વિલ પટેલ, ક્ષિતિજ પટેલ, રવિ બિશ્નોઈ, અર્ઝાન નાગવાસવાલા, જયમીત પટેલ, પ્રિયજિતસિંહ જાડેજા, આર્ય દેસાઈ, વિશાલ જયસ્વાલ વગેરેનો સમાવેશ છે. કેરળની ટીમમાં જલજ સક્સેના, આદિત્ય સરવટે, બેસિલ થમ્પી, મોહમ્મદ અઝહરુદ્દીન (વિકેટકીપર) વગેરે સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button