સ્પોર્ટસ

રણજી ફાઇનલઃ કેરળ 380 રન બનાવી શકશે કે પછી વિદર્ભ એને બીજા 248 રનની અંદર જ આઉટ કરી દેશે?

નાગપુરઃ વિદર્ભ-કેરળ વચ્ચેની રણજી ટ્રોફીની પાંચ-દિવસીય ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં બે દિવસ પૂરા થયા છે અને ત્રણ દિવસ બાકી છે અને એમાં જે આ મુકાબલો ડ્રૉમાં જશે તો પ્રથમ દાવની સરસાઈને આધારે વિજેતા નક્કી થશે જેના માટે શુક્રવાર બન્ને ટીમ માટે કપરી કસોટીનો બની રહેશે. અક્ષય વાડકરના સુકાનમાં વિદર્ભએ પ્રથમ દાવમાં 379 રન બનાવ્યા હોવાથી સચિન બૅબીની કૅપ્ટન્સીમાં કેરળે એનાથી એક ડગલું આગળ રહેવા (સરસાઈ મેળવવા) 380 રન બનાવવા પડશે. બીજી બાજુ, કેરળે ગુરુવારના બીજા દિવસે ત્રણ વિકેટે 131 રન બનાવ્યા હોવાથી વિદર્ભથી આ ટીમ હજી બીજા 248 રન પાછળ છે એટલે વિદર્ભના બોલર્સ એને આ વધારાના 248 રનની અંદર જ આઉટ કરી દેવા કોઈ કસર નહીં છોડે.

આ પણ વાંચો: આઇપીએલની આતશબાજી પહેલાં રણજી ટ્રોફીએ રંગ રાખ્યો…

વિદર્ભની આબરૂ ડેનિશ માલેવાર (153 રન, 285 બૉલ, ત્રણ સિક્સર, પંદર ફોર) અને કરુણ નાયર (86 રન, 188 બૉલ, એક સિક્સર, આઠ ફોર)ની જોડીએ બચાવી લીધી હતી તો કેરળ માટે નાગપુરનો જ આદિત્ય સરવટે (66 નૉટઆઉટ, 120 બૉલ, દસ ફોર) તારણહાર બન્યો હતો. તેની અને અહમ્મદ ઇમરાન (37 રન, 83 બૉલ, ત્રણ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 93 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

14 રનના સ્કોર પર અક્ષય ચંદ્રનની વિકેટ પડ્યા બાદ આ પાર્ટનરશિપ થઈ હતી અને તેમણે ટીમનો સ્કોર 107 સુધી પહોંચાડ્યો ત્યારે ઇમરાનની વિકેટ પડી હતી અને ત્યાર બાદ સરવટેની સાથે કૅપ્ટન સચિન બૅબી સાત રને રમી રહ્યો હતો.
કેરળની ત્રણમાંથી બે વિકેટ પેસ બોલર દર્શન નાલકંડેએ અને એક વિકેટ યશ ઠાકુરે લીધી હતી.

આ પણ વાંચો: અપીલ કૅચ માટે થઈ, અમ્પાયરે એલબીડબલ્યૂ આપ્યો! ગુજરાતની રણજીમાં જોરદાર નાટ્યાત્મક વળાંકો

એ પહેલાં, કેરળના બોલર્સે વિદર્ભને 400 રન સુધી નહોતા પહોંચવા દીધા. તેમની નવમી વિકેટ 335 રન પર પડી હતી, પરંતુ ત્યાર પછી 11મા નંબરના નચિકેત ભુતે (32 રન, 38 બૉલ, બે સિક્સર, એક ફોર) અને 10મા નંબરના હર્ષ દુબે (12 અણનમ, 28 બૉલ, એક ફોર) વચ્ચે અંતિમ વિકેટ માટે 44 રનની ભાગીદારી થઈ હતી જે કદાચ કેરળને છેલ્લે ભારે પડી શકે.

કેરળ વતી એમડી નિધીશે અને એડન ઍપલ ટૉમે ત્રણ-ત્રણ વિકેટ, એન. બેસિલે બે વિકેટ અને જલજ સક્સેનાએ એક વિકેટ લીધી હતી. વિકેટકીપર મોહમ્મદ અઝહરુદ્દીને ત્રણ કૅચ પકડ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button