IPL 2024સ્પોર્ટસ

રાજસ્થાનની સતત બીજી જીત, પંતનું દિલ્હી ફરી હાર્યું

૧૩ બાઉન્ડરીઝની મદદથી અણનમ ૮૪ રન બનાવનાર રિયાન પરાગ બન્યો મૅચ-વિનર

જયપુર: સંજુ સેમસનના સુકાનમાં રાજસ્થાન રોયલ્સનો ચાર દિવસ બાદ ફરી એક વાર જયપુરમાં જય જયકાર થયો છે. ૨૪ માર્ચે એણે લખનઊને ૨૦ રનથી હરાવ્યું હતું અને ગઈ કાલે દિલ્હીને ૧૨ રનથી આંચકો આપ્યો.

કમબૅકમૅન રિષભ પંત (૨૬ બૉલમાં ૨૮ રન) પાછો મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફ્ળ ગયો અને તેના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સની ટીમ સતત બીજી મૅચ હારી ગઈ.

૧૮૬ રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી દિલ્હીની ટીમ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૩ રન બનાવી શકી હતી અને રાજસ્થાને ૧૨ રનથી વિજય મેળવી લીધો હતો.

૧૭મી ઓવર અશ્વિને કરી હતી જેમાં ૧૯ રન બનતાં દિલ્હી માટે જીતની આશા વધી હતી, કારણકે એ તબક્કે ૧૪૫/૫નો સ્કોર હતો અને વિજય માટે ત્રણ ઓવરમાં ૪૧ રન બનાવવાના હતા. જોકે આવેશ ખાનની ૧૮મી ઓવરમાં ફક્ત ૯ રન બનતાં ફરી રાજસ્થાનનો હાથ ઉપર થઈ ગયો હતો.

પહેલી મૅચમાં ડેથ ઓવરમાં લખનઊના બૅટર્સને બાંધીને રાખનાર સંદીપ શર્માની ૧૯મી ઓવરની શરૂઆતમાં ટ્રાયસ્ટન સ્ટબ્સે (૪૪ અણનમ, ૨૩ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) છગ્ગો અને ચોક્કો ફ્ટકાર્યો હતો, પણ પછી સંદીપે તેને અને અક્ષર પટેલ (૧૫ અણનમ, ૧૩ બૉલ, ત્રણ ફોર)ને અંકુશમાં રાખ્યા હતા અને રાજસ્થાનની ચુસ્ત ફિલ્ડીંગ પણ બન્ને બૅટર્સને નડી હતી. એ ૧૯મી ઓવરમાં ૧૫ રન બન્યા હતા અને છેલ્લી ઓવરમાં ૧૭ રન બનાવવાના આવ્યા હતા.

ખરી પરીક્ષા હવે હતી. આવેશ ખાને એ ઓવર યોર્કરથી શરૂ કરી હતી અને વેરિએશન્સ સાથે ઓવર પૂરી કરી જેમાં માત્ર ચાર રન બન્યા હતા. રાજસ્થાન વતી બર્ગર અને ચહલે બે-બે વિકેટ અને આવેશ ખાને એક વિકેટ લીધી હતી. ચહલ ખરા સમયે ત્રાટક્યો હતો અને પંત તેમ જ અભિષેક પોરેલ (૯)ને આઉટ કર્યા હતા.

ડેવિડ વોર્નર (૪૯ રન, ૩૪ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) બારમી ઓવરમાં આવેશ ખાનનો શિકાર થતાં હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો.

એ પહેલાં, દિલ્હીના કૅપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.

રાજસ્થાન રૉયલ્સના રિયાન પરાગે (84 અણનમ, 45 બૉલ, છ સિક્સર, સાત ફોર) દિલ્હી કૅપિટલ્સ સામે જોરદાર ફટકાબાજી કરી હતી. ખાસ કરીને તેણે એન્રિક નોર્કિયાની 20મી ઓવરમાં પચીસ રન (4, 4, 6, 4, 6, 1) ખડકી દીધા હતા. એક સમયે રાજસ્થાનનો 10 ઓવરમાં સ્કોર 58/3 હતો. જોકે 185/5ના સ્કોર સાથે રાજસ્થાનનો દાવ પૂરો થયો હતો.

પરાગ ઉપરાંત અશ્ર્વિન (29 રન, 19 બૉલ, ત્રણ સિક્સર), ધ્રુવ જુરેલ (20 રન, 12 બૉલ, ત્રણ ફોર) અને શિમરોન હેટમાયર (14 અણનમ, સાત બૉલ, એક સિક્સર, એક ફોર)એ પણ ઉપયોગી યોગદાન આપ્યા હતા. દિલ્હીને જેમના સૌથી વધુ ડર હતા એ બન્ને ઓપનર યશસ્વી જયસ્વાલ (પાંચ રન) અને જૉસ બટલર (11 રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
દિલ્હીના પાંચેય બોલર (ખલીલ અહમદ, નોર્કિયા, મુકેશ કુમાર, અક્ષર, કુલદીપ યાદવ)ને એક-એક વિકેટ મળી હતી.
રિયાન પરાગને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button