રાજસ્થાન રોયલ્સને મળ્યા નવા કોચ

જયપુર: ન્યૂ ઝીલેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર શેન બોન્ડને સોમવારે ઇન્ડિયન પ્રિમિયર લીગ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ દ્વારા સહાયક કોચ અને ઝડપી બોલિંગ કોચની બેવડી ભૂમિકા આપવામાં આવી હતી.
બોન્ડ 2012 અને 2015 વચ્ચે તેમની રાષ્ટ્રીય ટીમ માટે બોલિંગ કોચ તરીકે કામ કર્યું હતું. આ 48 વર્ષીય પૂર્વ ખેલાડીની દેખરેખમાં ન્યૂઝીલેન્ડ 2015 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ તે આઇપીએલમાં મુંબઈની ફ્રેન્ચાઈઝી સાથે જોડાયા હતા. તેઓ નવ સીઝન માટે ટીમના કોચિંગ સભ્ય હતા જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ચાર વખત ટાઇટલ જીત્યા હતા.
ફ્રેન્ચાઇઝીમાં ન્યૂ ઝીલેન્ડના મહાન ખેલાડીનું સ્વાગત કરતાં રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાકારાએ કહ્યું હતું કે શેન (બોન્ડ) આધુનિક ક્રિકેટમાં સૌથી મહાન ઝડપી બોલરોમાંથી એક છે. તેમની પાસે કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓને માર્ગદર્શન આપવાનો અનુભવ છે. તેમની પાસે આવશ્યક જ્ઞાનનો ભંડાર છે.
સંગાકારાએ કહ્યું હતું કે તેમણે ઘણા વર્ષોથી આઇપીએલ અને ભારતમાં સેવા આપી છે અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટથી સારી રીતે વાકેફ છે. રાજસ્થાન સાથે જોડાવા પર બોન્ડે કહ્યું હતું કે આ ફ્રેન્ચાઇઝી સારું પ્રદર્શન કરવા માટે પ્રતિબદ્ધ છે. ટીમના બોલિંગ ગ્રુપમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે. તેની સાથે કામ કરવું અદભૂત રહેશે.