
કોલકાતાઃ વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઇનલ મેચ આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચમાં વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. જો આ મેચ વરસાદના કારણે ધોવાઇ જાય તો સેમીફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ભારતીય ટીમ પહેલા જ ફાઈનલમાં પહોંચી ગઈ છે.
આ મેચમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુરુવારે કોલકાતામાં વરસાદની 50 ટકા શક્યતા છે. તાપમાન 23 થી 26 ડિગ્રી વચ્ચે રહી શકે છે. આવી સ્થિતિમાં જો વરસાદ પડે તો ચિંતા કરવાની જરૂર નથી, સેમીફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. મતલબ કે જો વરસાદને કારણે મેચ બંધ થશે તો બીજા દિવસે એટલે કે 17મી નવેમ્બરે મેચ તે જ જગ્યાએથી ફરી શરૂ કરવામાં આવશે જ્યાંથી તેને અટકાવવામાં આવી હતી. પરંતુ જો રિઝર્વ ડે પર પણ મેચ દરમિયાન વરસાદ પડે અને વરસાદને કારણે મેચ ધોવાઈ જાય તો પોઈન્ટ ટેબલ પર ટોચની ટીમને ફાઈનલની ટિકિટ મળશે. આ સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાની ટીમને ફાયદો થશે.