આજે વરસાદની આગાહી, મેઘરાજા ટેસ્ટનું પરિણામ આવવા દેશે? | મુંબઈ સમાચાર

આજે વરસાદની આગાહી, મેઘરાજા ટેસ્ટનું પરિણામ આવવા દેશે?

ભારતને 10 વિકેટની અને ઇંગ્લૅન્ડને 350 રનની જરૂર

લીડ્સ: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ‘એન્ડરસન-તેંડુલકર ટ્રોફી’ ટેસ્ટ સિરીઝની પહેલી મૅચ (બપોરે 3:30 વાગ્યાથી લાઈવ)માં આજે નિર્ણાયક દિવસ છે, પરંતુ મેઘરાજા વિઘ્ન ઊભા કરી શકે અથવા કોઈની પણ બાજી બગાડી શકે.

ભારતીય ખેલાડીઓએ બંને ઇનિંગ્સ મળીને કુલ પાંચ સેન્ચુરી સહિત કુલ 835 રન બનાવ્યા છે અને હવે જીતવાની પાકી સંભાવના છે ત્યારે વરસાદ વિલન બની શકે એવો ડર છે.

સોમવારે ચોથા દિવસની રમતને અંતે યજમાન ઇંગ્લૅન્ડ (ENGLAND)નો સ્કોર 371 રનના લક્ષ્યાંક સામે વિના વિકેટે 21 રન હતો. રમતને અંતે બેન ડકેટના નવ રન અને ઝેક ક્રોવ્લીના 12 રન હતા.

ઇંગ્લૅન્ડની જાણીતી બ્રોડકાસ્ટિંગ કંપનીની વેબસાઈટની આગાહી મુજબ હેડિંગ્લી (લીડ્સ)માં આજે વાદળીયું હવામાન રહેશે, બપોરે સૂરજ દાદાની થોડી ઝાંખી કરવા મળશે, પણ ઝરમર વરસાદ પડવાની પણ સંભાવના છે. ભારત (INDIA)ને 10 વિકેટની અને ઇંગ્લેન્ડને 350 રનની જરૂર છે.

મૅચમાં બીજી વખત નીચલી હરોળમાં ધબડકો

આ ટેસ્ટ (TEST)માં ભારતનો ટૉપ ઑર્ડર ખૂબ સફળ રહ્યો અને બીજા દાવમાં અમુક અંશે મિડલ ઑર્ડરનું પણ સારું યોગદાન હતું, પરંતુ સતત બીજી વખત ભારતની નીચલી હરોળમાં ધબડકો જોવા મળ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 41 રનમાં છેલ્લી સાત વિકેટ ગુમાવી હતી, જ્યારે સોમવારે ટીમ ઇન્ડિયાએ માત્ર 31 રનમાં છેલ્લી 6 વિકેટ ગુમાવી હતી.

પહેલી વખત ટેસ્ટમાં ભારતીયોની પાંચ સેન્ચુરી

ભારત 1932ની સાલથી ટેસ્ટ-ક્રિકેટ રમે છે અને આ વખતે પહેલી વખત એવું બન્યું જેમાં એક ટેસ્ટમાં ભારત વતી પાંચ સેન્ચુરી નોંધાઈ છે. પહેલા દાવમાં યશસ્વી જયસ્વાલ (101), શુભમન ગિલ (147) અને રિષભ પંતે (134) સદી ફટકારી હતી. બીજા દાવમાં કે. એલ. રાહુલ (137) ઉપરાંત ફરી એકવાર રિષભ પંતે (118) સેન્ચુરી નોંધાવી.

ઑસ્ટ્રેલિયા જેવો 70 વર્ષ જૂનો હવે ભારતનો રેકૉર્ડ

કોઈ દેશની ટીમના બૅટ્સમેનોએ એક ટેસ્ટમાં પાંચ સદી ફટકારી હોય એવું ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પાંચ વખત બન્યું છે અને એમાં ભારત પણ સામેલ થયું છે. આ પહેલાં ચાર વખત એવું બન્યું હતું જેમાં ભારતના બૅટ્સમેનોએ ટેસ્ટમાં કુલ ચાર સેન્ચુરી ફટકારી હતી. એવું શ્રીલંકા સામે બે વખત, સાઉથ આફ્રિકા સામે એક વખત અને બાંગ્લાદેશ સામે એક વખત બન્યું હતું. જોકે ટેસ્ટમાં પાંચ ભારતીય બૅટ્સમેનોની સેન્ચુરીવાળો પહેલો જ કિસ્સો આ વખતે બન્યો છે. કોઈ દેશે વિદેશી ધરતી પર એક ટેસ્ટમાં પાંચ સદી નોંધાવી હોય એવું અગાઉ ઑસ્ટ્રેલિયાના કિસ્સામાં જ બન્યું હતું, પરંતુ હવે ભારત પણ એની સાથે જોડાયું છે. 1955માં વેસ્ટ ઇન્ડિઝમાં ઑસ્ટ્રેલિયા વતી એક ટેસ્ટમાં પાંચ બૅટ્સમેને સેન્ચુરી ફટકારી હતી. ભારતે 70 વર્ષ જૂના એ વિશ્વ વિક્રમની બરાબરી કરી છે.

આ પણ વાંચો…પૃથ્વી શો મુંબઈ ટીમ છોડશે? ક્રિકેટ એસોસિએશન પાસે NOCની માંગણી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button