રાજકોટમાં રાહુલનો રણકાર, આઠમી સદી પૂરી કરીઃ ન્યૂ ઝીલૅન્ડને 285 રનનો પડકારરૂપ લક્ષ્યાંક

રાજકોટઃ ભારતે અહીં રાજકોટ (Rajkot)ના નિરંજન શાહ સ્ટેડિયમમાં આજે ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની બીજી વન-ડેમાં કૅપ્ટન શુભમન ગિલ (56 રન, 53 બૉલ, એક સિક્સર, નવ ફોર) ઉપરાંત મિડલ-ઑૅર્ડરની બૅટિંગની મદદથી અને એમાં પણ વિકેટકીપર કે. એલ. રાહુલ (112 અણનમ, 92 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ના સુપર પર્ફોર્મન્સની મદદથી 50 ઓવરમાં સાત વિકેટે 284 રન કર્યા હતા અને કિવીઓને 285 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો. ભારત આ મૅચ પણ જીતીને 2-0થી સિરીઝ (Series)ની ટ્રોફી પર કબજો કરી શકશે.
સિક્સર સાથે પૂરી કરી સેન્ચુરી
રાહુલે (Rahul) આઠમી વન-ડે સેન્ચુરી પૂરી કરી હતી અને છેક સુધી ક્રીઝમાં ટકી રહ્યો હતો. તેણે પોતાના 87મા બૉલ પર છગ્ગો ફટકારીને સદી (Century) પૂરી કરી હતી અને ઇનિંગ્સના અંતિમ બૉલમાં ચોગ્ગો માર્યો હતો. તેની આઠમાંથી આ સર્વશ્રેષ્ઠ સદી ગણાય છે. તેની સાથે મોહમ્મદ સિરાજ બે રને અણનમ રહ્યો હતો.

બીજી જ વન-ડે રમી રહેલા 24 વર્ષીય કિવી પેસ બોલર ક્રિસ્ટિયન ક્લાર્કે ત્રણ વિકેટ (રોહિત, વિરાટ, શ્રેયસ) લીધી હતી, પણ રાહુલને તે નમાવી નહોતો શક્યો. વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર રાહુલ સાથેની ટૂંકી ભાગીદારીમાં આઠ રન કરીને પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો.
નીતીશનો ટૂંકી ઇનિંગ્સમાં રાહુલને સાથ
સ્ટાર બૅટ્સમેનો રોહિત શર્મા (24 રન), વિરાટ કોહલી (23 રન) અને રવીન્દ્ર જાડેજા (27 રન) મોટી ઇનિંગ્સ નહોતા રમી શક્યા અને ચર્ચાસ્પદ ઑલરાઉન્ડર નીતીશકુમાર રેડ્ડી પણ માત્ર 27 રન કરી શક્યો હતો. જોકે તેણે 58 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 44 બૉલની ઇનિંગ્સ રમીને રાહુલને સારો સાથે આપ્યો હતો. તેની અને રાહુલ વચ્ચે 57 રનની ભાગીદારી થઈ હતી.

ગિલના સતત બીજી મૅચમાં 56 રન
એ પહેલાં, રોહિત અને શુભમન ગિલે ખૂબ ધીમી શરૂઆત કરી હતી. પહેલી પાંચ ઓવરમાં ભારતના ફક્ત નવ રન હતા. જોકે પછીથી બન્નેએ રનમશીનને વેગ આપ્યો હતો અને છેક 70મા રને રોહિતની વિકેટ સાથે તેમની ભાગીદારી તૂટી હતી. જોકે ગિલ સતત બીજી મૅચમાં પણ હાફ સેન્ચુરી પૂરી કરવામાં સફળ થયો હતો. તે લાગલગાટ બીજી મૅચમાં 56 રન કરીને આઉટ થયો. ભારતે 70 રનથી 118 રનની વચ્ચે (48 રનમાં) ઉપરાઉપરી ચાર વિકેટ ગુમાવી ત્યાર પછી હોમટાઉન હીરો બાપુ રવીન્દ્ર જાડેજા અને વિકેટકીપર કે. એલ. રાહુલે બાજી સંભાળી લીધી હતી અને ધબડકો રોક્યો હતો. વિરાટ કોહલી (23 રન)ની ચોથી વિકેટ 24મી ઓવરમાં 118મા રને પડ્યા બાદ જાડેજા-રાહુલની જોડીએ સ્કોર 36મી ઓવરને અંતે 4/175 ઉપર પહોંચાડ્યો હતો. રાહુલ 33 રને અને જાડેજા 24 રને રમી રહ્યા હતા. પહેલી ચારમાંથી ત્રણ વિકેટ ક્રિસ્ટિયન ક્લાર્કે લીધી હતી.



