વેન્ગસરકર પછી કે. એલ. રાહુલ એવો બીજો બૅટ્સમૅન છે જેણે…

લંડનઃ સ્ટાઇલિશ ઓપનિંગ બૅટ્સમૅન કે. એલ. રાહુલ (KL Rahul) ભારતનો એવો બીજો ખેલાડી બન્યો છે જેણે ક્રિકેટના મક્કા ગણાતા ઇંગ્લૅન્ડના લૉર્ડ્સ (LORD’S)માં એક કરતાં વધુ ટેસ્ટ-સદી ફટકારી છે.
રાહુલે શનિવારે સિરીઝની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચના બ્રેક પછી પેસ બોલર જોફ્રા આર્ચરના બૉલમાં ફટકારેલા શૉટમાં રન કરીને કરીઅરની 10મી અને લૉર્ડ્સ પર બીજી સદી (century) પૂરી કરી હતી.
જોકે રાહુલ 176મા બૉલમાં ભારત વતી આ સીમાચિહનરૂપ સદી પૂરી કર્યા બાદ પોતાના 177મા બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. રાહુલે 10માંથી નવ સદી વિદેશમાં ફટકારી છે.

આપણ વાંચો: અમિત મિશ્રાએ મૌન તોડતા કહ્યું, ‘સંજીવ ગોયેન્કા કે. એલ. રાહુલ પર ગુસ્સે થયા હતા, કારણકે…’
ભારતીયોમાંથી વેન્ગસરકરનો વિક્રમ છે. તેમણે લૉર્ડ્સમાં ત્રણ સેન્ચુરી (1979, 1982, 1986) ફટકારી હતી અને હવે રાહુલ આ સ્થળે એક કરતાં વધુ સદી ફટકારનારો બીજો ભારતીય ખેલાડી બન્યો છે. રાહુલે લૉર્ડ્સમાં પ્રથમ સદી (129 રન) 2021માં ફટકારી હતી અને ત્યારે ભારત 151 રનથી જીતી ગયું હતું.
રાહુલે લૉર્ડ્સમાં બીજી સદી ફટકારીને આ ઐતિહાસિક સ્થળે સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર વિદેશી ખેલાડીઓમાં સર ગૅરી સોબર્સ, સ્ટીવ સ્મિથ, માહેલા જયવર્દને, સર ડૉન બ્રેડમૅન, ગોર્ડન ગ્રિનિજ, માર્ટિન ક્રો, હાશિમ અમલા તથા ગે્રમ સ્મિથની બરાબરી પણ કરી છે.
જોકે લૉર્ડ્સમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ઇંગ્લૅન્ડની બહારના ખેલાડીઓમાં વેન્ગસરકરનો જે ત્રણ સદીનો વિક્રમ છે એ રાહુલને ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટના બીજા દાવમાં અથવા ઇંગ્લૅન્ડ ખાતેના આગામી પ્રવાસ વખતે તોડવાની તક મળશે.