રાહુલ-જુરેલે સેન્ચુરી કોને સમર્પિત કરી?: જાડેજાની જૂની ને જાણીતી સ્ટાઇલ પણ જોવા જેવી છે!

અમદાવાદઃ અહીં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલો ` પાંચ દિવસનો ક્રિકેટોત્સવ’ શનિવાર કે રવિવારના ત્રીજા કે ચોથા દિવસે જ સમેટાઈ જશે તો નવાઈ નહીં લાગે, કારણકે આ મૅચમાં ભારતીય બૅટિંગ લાઇન-અપના ત્રણ સિતારા (કે. એલ. રાહુલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા)એ વ્યક્તિગત સદી ફટકારીને ભારતને 5/448નો તોતિંગ સ્કોર અપાવ્યો એટલું જ નહીં, તેમણે અનોખી સ્ટાઇલમાં પોતાની સેન્ચુરી સેલિબ્રેટ કરી હતી.
33 વર્ષની ઉંમરના રાહુલે (kl Rahul) કુલ 11મી અને ઘરઆંગણે નવ વર્ષે ફટકારેલી બીજી ટેસ્ટ-સદી (197 બૉલમાં 100 રન) છ મહિનાની નવજાત બાળકીને ડેડિકેટ કરી હતી. રાહુલે સદી પૂરી કરતાં જ બે હોઠ વચ્ચે બે આંગળી રાખીને સીટી મારીને પુત્રી માટે સંકેત આપી રહ્યો હોય એ રીતે સેલિબ્રેશન કર્યું હતું. રાહુલની ઍક્ટ્રેસ પત્ની અને અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ માર્ચ, 2025માં પુત્રીને જન્મ આપ્યો હતો જેનું નામ એવારાહ છે.

ધ્રુવ જુરેલે (210 બૉલમાં 125 રન) શુક્રવારે પહેલી જ વખત આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. તેણે ત્રણ સિક્સર તથા 15 ફોર ફટકારી હતી. તેણે સદી પૂરી થતાં જ ગન સૅલ્યૂટની ઍક્શન કરી હતી. તેણે આ પ્રથમ સદી પૂરી કર્યા પછી હેલ્મેટ ઉતારી હતી, બૅટ ઉપર કર્યું હતું અને ભારતીય સશસ્ત્ર સેનાને અનુલક્ષીને આ સેન્ચુરી સેલિબ્રેટ કરી હતી. એ પહેલાં તે 50 રન પર પહોંચ્યો ત્યારે તેણે સૅલ્યૂટ સેલિબ્રેશન (celebration) કર્યું હતું. ભારતની ઇનિંગ્સમાં 116મી ઓવર કૅરિબિયન કૅપ્ટન રૉસ્ટન ચેઝે કરી હતી અને જેમાં છેલ્લો બૉલ જુરેલે (jurel) ફ્લિકની કરામતથી બાઉન્ડરી લાઇનની બહાર મોકલીને સેન્ચુરી પૂરી કરી હતી. ઉલ્લેખનીય છે કે જુરેલ ઉત્તર પ્રદેશનો છે અને તેના પિતા નેમ સિંહ ભારતીય લશ્કરમાં હતા. નેમ સિંહ 1999ના કારગિલ યુદ્ધમાં લડ્યા હતા. એક રીતે તેણે આ સદી પિતાને પણ અર્પણ કરી હતી.

ધ્રુવ જુરેલને ઈજાગ્રસ્ત રિષભ પંતના સ્થાને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. તે ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો 12મો વિકેટકીપર-બૅટ્સમૅન છે. નવાઈની વાત એ છે કે આમાંના પાંચ પ્લેયરે પોતાની પહેલી સદી વેસ્ટ ઇન્ડિઝ સામે ફટકારી. એમાં વિજય માંજરેકર, ફરોખ એન્જિનિયર, અજય રાત્રા, વૃદ્ધિમાન સાહા અને ધ્રુવ જુરેલનો સમાવેશ છે.

બાપુ’ રવીન્દ્ર જાડેજા (176 બૉલમાં 104 નૉટઆઉટ)એ છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારીને તલવારબાજીની આગવી સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું. તે હંમેશની જેમ આ વખતે પણ સ્વૉર્ડ સેલિબ્રેશન’ કરશે એની સૌને ખાતરી હતી અને તેણે એવું જ કર્યું અને સૌએ તેની આ સદીને તાળીઓથી વધાવી લીધી હતી. ઘરઆંગણે તેની આ ચોથી સદી છે. અમદાવાદ પહેલાં તે રાજકોટમાં બે અને મોહાલીમાં એક ટેસ્ટ સદી ફટકારી ચૂક્યો છે.
આ પણ વાંચો : એક જ દિવસમાં ત્રણ સેન્ચુરી, ભારતનો વિજય લગભગ નિશ્ચિત થઈ ગયો…