IND vs SA ODI: ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર, દ્રવિડને બદલે આમને સોંપાઈ જવાબદારી

જોહાનિસબર્ગ: સાઉથ આફ્રિકા પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાએ ત્રણ T20મેચની સિરીઝ 1-1થી બરાબર કરી હતી. આવતી કાલે રવિવારે જોહાનિસબર્ગમાં વનડે સિરીઝની પહેલી મેચ રમાશે એ પહેલા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડ આ વનડે સિરીઝ માટે કોચિંગ નહીં કરે. આ જવાબદારી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) સાથે જોડાયેલ સિતાંશુ કોટકને સોંપવામાં આવી છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફોર્મેટ પ્રમાણે બદલાઈ રહ્યા છે, તે જ રીતે કોચિંગ સ્ટાફ પણ બદલાઈ રહ્યો છેતાજેતરમાં ઘર આંગણે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં કોચિંગની જવાબદારી સંભાળનાર વીવીએસ લક્ષ્મણની સાથે સાઈરાજ બહુતુલે બોલિંગના કોચિંગની જવાબદારી સંભાળી હતી. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોટક સિવાય અજય રાત્રા ફિલ્ડિંગ કોચ તરીકે કામ કરશે. NCA સાથે સંકળાયેલા રાજીબ દત્તા બોલિંગ કોચ રહેશે.
અહેવાલો મુજબ કે રાહુલ દ્રવિડ ટેસ્ટ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 26મી ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં અને 3જી જાન્યુઆરીથી કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં બે ટેસ્ટ રમવાની છે. હાલ માટે ODI મેચોમાં કોચિંગ છોડી દ્રવિડનું ધ્યાન ટેસ્ટ સિરીઝ તરફ છે, જેથી ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેના પોઈન્ટ ટેબલમાં સુધારો કરી શકે.
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ કોઈપણ કિંમતે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાનો ઈરાદો ધરાવે છે, કારણ કે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. 2021-22માં રમાયેલી છેલ્લી સિરીઝમાંમાં પ્રથમ ટેસ્ટ જીતીને ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવવાની નજીક પહોંચી હતી, પરંતુ એ પછીની બે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
દરમિયાન, દક્ષિણ આફ્રિકા જનારા ક્રિકેટરોની છેલ્લી બેચ વિરાટ કોહલી, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, નવદીપ સૈની અને હર્ષિત રાણા દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ ગઈ છે. રોહિત શર્મા થોડા દિવસો બાદ ટીમ સાથે જોડાશે. રોહિત શુક્રવારે સાંજે મુંબઈના બીકેસીમાં ધીરુભાઈ અંબાણી સ્કૂલના વાર્ષિક કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. રીપોર્ટ મુજબ મોહમ્મદ શમી સાઉથ આફ્રિકા નથી જઈ રહ્યો, તેને ટેસ્ટ સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
હાલમાં લગભગ 75 ખેલાડીઓ દક્ષિણ આફ્રિકામાં છે, આ દરમિયાન ટીમ ઈન્ડિયામાં સતત ફેરબદલ થઈ રહ્યો છે. એવું લાગે છે કે જે રીતે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફોર્મેટ પ્રમાણે બદલાઈ રહ્યા છે, તે જ રીતે કોચિંગ સ્ટાફ પણ બદલાઈ રહ્યો છે. નવા કોચિંગ સ્ટાફને દક્ષિણ આફ્રિકા સામે રવિવારથી વાન્ડરર્સમાં શરૂ થનારી વનડે શ્રેણીની જવાબદારી સોંપવામાં આવી છે. જોહાનિસબર્ગમાં પ્રથમ ODI સિવાય, અન્ય બે ODI 19 ડિસેમ્બરે ગકેબરહાઅને 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે.