અશ્વિનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા, પણ આઇપીએલમાં રમતો રહેશે | મુંબઈ સમાચાર

અશ્વિનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા, પણ આઇપીએલમાં રમતો રહેશે

કરીઅરની પહેલી જ ટેસ્ટમાં મૅન ઑફ ધ મૅચ બન્યોઃ સીએસકેએ 2025ની સીઝન માટે 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે

બ્રિસ્બેનઃ ભારતના ટોચના ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને બુધવારે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ક્રિકેટજગતને ચોંકાવી દીધું હતું. તે હજી થોડો વધુ સમય રમી શક્યો હોત એવું સૌને લાગતું હતું એમ છતાં તેણે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝની અધવચ્ચે જ રિટાયરમેન્ટની જાહેરાત કરીને બધાને વિચારતા કરી દીધા.

જોકે તે આઇપીએલમાં રમવાનું ચાલુ રાખશે. 2025માં તે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) વતી રમવાનો છે. સીએસકેએ તેને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

તે નવેમ્બર, 2011માં દિલ્હીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે કરીઅરની પહેલી ટેસ્ટ રમ્યો હતો જેમાં તેણે પ્રથમ દાવમાં 81 રનમાં ત્રણ વિકેટ અને બીજા દાવમાં 47 રનમાં છ વિકેટ લીધી હતી.

આપણ વાંચો: અશ્વિને વિકેટ ન મળવા છતાં રચી દીધો આ રેકૉર્ડ…

આખી ટેસ્ટમાં કુલ નવ વિકેટના મૅચ-વિનિંગ તરખાટ બદલ તે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો. એમએસ ધોની ત્યારે ભારતનો અને ડૅરેન સૅમી વેસ્ટ ઇન્ડિઝનો સુકાની હતો.

38 વર્ષના અશ્વિનની 537 વિકેટ ભારતના ટેસ્ટ બોલર્સમાં બીજા નંબરે છે. લેગ-સ્પિનર અનિલ કુંબલે 619 વિકેટ સાથે ભારતીય બોલર્સમાં પહેલા સ્થાને છે.

મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં 2011નો વન-ડે વર્લ્ડ કપ અને 2013ની ચૅમ્પિયન્સ ટ્રોફીની જીત અશ્વિનની બે મોટી ઉપલબ્ધિ છે.

અશ્વિન જૂન, 2010માં પ્રથમ વન-ડે અને તથા પ્રથમ ટી-20 રમ્યો હતો. ઑક્ટોબર, 2023માં તે છેલ્લી વન-ડે અને નવેમ્બર, 2022માં છેલ્લી ટી-20 ઇન્ટરનૅશનલ રમ્યો હતો.

આપણ વાંચો: અશ્વિને પુણેમાં બતાવ્યો પરચો, વર્લ્ડ રેકૉર્ડ પોતાને નામ કર્યો

અશ્વિન બુધવારે બ્રિસ્બેનની ટેસ્ટ ડ્રૉમાં ગયા બાદ પત્રકાર પરિષદમાં કૅપ્ટન રોહિત શર્માની સાથે આવ્યો હતો અને રોહિતને પત્રકારો મૅચ વિશેના સવાલ પૂછે એ પહેલાં અશ્વિને પોતે પત્રકારોને સંબોધતા કહ્યું, `તમામ ફૉર્મેટમાં ભારતીય ક્રિકેટર તરીકે મારો આ છેલ્લો દિવસ છે.’

અશ્વિન ગુરુવારે ભારત પાછો આવવા રવાના થશે.

નિવૃત્તિની જાહેરાત કરતા પહેલાં અશ્વિન મૅચ દરમ્યાન ડ્રેસિંગ-રૂમમાં વિરાટ કોહલી સાથે ભાવુક સ્થિતિમાં જોવા મળ્યો હતો અને ત્યારે જ ઘણાને સંદેહ થયો હતો કે અશ્વિન (રિટાયરમેન્ટ જેવી) કોઈક મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે. કોહલી ત્યારે અશ્વિનના ખભા પર હાથ રાખીને બેઠો હતો અને અશ્વિન ભાવુક હાલતમાં આંસુ લૂછી રહ્યો હતો.

આપણ વાંચો: અશ્વિને 11મો મૅન ઑફ ધ સિરીઝ (એમઓએસ) અવૉર્ડ જીતીને વિશ્વવિક્રમની કરી બરાબરી, મુરલીથી ક્યાંય ચડિયાતો છે

38 વર્ષના અશ્વિને 13 વર્ષની ટેસ્ટ-કરીઅરમાં કુલ 106 ટેસ્ટમાં 537 વિકેટ લીધી હતી. 13 વર્ષની વન-ડે કરીઅરમાં તેણે 116 મૅચમાં 156 વિકેટ અને 12 વર્ષની ટી-20 ઇન્ટરનૅશનલ કરીઅરમાં 65 મૅચમાં 72 વિકેટ લીધી હતી. તેણે કુલ મળીને 765 વિકેટ મેળવી હતી.

સંબંધિત લેખો

Back to top button