અશ્વિનને યુએઇની ટી-20 લીગમાં એકેય ફ્રૅન્ચાઇઝીએ ન ખરીદ્યો એટલે તેણે લીધો આ મોટા નિર્ણય

દુબઈઃ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમ જ આઇપીએલમાંથી નિવૃત્ત થયેલા ભારતના સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિનને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ)ની આઇએલટી20 નામની લીગ માટેના દુબઈના પ્લેયર્સ-ઑક્શનમાં એક પણ ફ્રૅન્ચાઇઝીએ ન ખરીદ્યો એટલે તેણે નક્કી કર્યું છે કે તે ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ (BBL)માં આખી સીઝન રમશે.
અગાઉ તેની એવી યોજના હતી કે આઇએલટી20માં તે કોઈ ફ્રૅન્ચાઇઝી દ્વારા સાઇન કરવામાં આવશે એટલે તે બિગ બૅશમાં છેવટની ત્રણથી ચાર મૅચ જ રમી શકશે, પરંતુ હવે તેને આઇએલટી20માં એક પણ ટીમના માલિકે છ આંકડાની સૌથી ઊંચી બેઝ પ્રાઇઝ (1,20,000 ડૉલર)માં ખરીદવામાં રસ ન બતાવ્યો એટલે તેણે આખી સીઝન બિગ બૅશમાં રમવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: અશ્વિન બિગ બૅશમાં જોડાનારો પ્રથમ ભારતીય, પણ શરૂઆતની મૅચો ગુમાવશે…જાણો શા માટે
અશ્વિને (ASHWIN) થોડા દિવસ પહેલાં આઇએલટી20 ઉપરાંત બિગ બૅશમાં રમવા વિશેના કરાર પણ કર્યા હતા. બિગ બૅશમાં તે સિડની થન્ડર (SYDNEY THUNDER) ટીમ વતી રમવાનો છે. ડેવિડ વૉર્નર આ ટીમનો સુકાની છે અને ટીમમાં પાકિસ્તાની સ્પિનર શાદાબ ખાન તેમ જ સૅમ બિલિંગ્સ અને લૉકી ફર્ગ્યુસન સહિતના જાણીતા ખેલાડીનો સમાવેશ છે.
અશ્વિન બિગ બૅશમાં રમનાર એવો પ્રથમ ખેલાડી છે જે ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે. તેને મેળવવામાં સિડની થન્ડર ઉપરાંત હૉબાર્ટ હરિકેન્સ, ઍડિલેઇડ સ્ટ્રાઇકર્સ અને સિડની સિક્સર્સ ટીમના માલિકોએ પણ રસ બતાવ્યો હતો.