પી.વી. સિંધુને પૅરિસ ઑલિમ્પિક્સ કેમ વધુ પડકારરૂપ લાગે છે?
મુંબઈ: મહિલા બૅડ્મિન્ટનમાં એક વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી અને બે ઑલિમ્પિક મેડલ પર કબજો કરી ચૂકેલી ભારતની એક સમયની ટોચની મહિલા બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુને આ વર્ષે પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ 2016ની રિયો ઑલિમ્પિક્સ અને 2020ની ટોક્યો ઑલિમ્પિક્સની સરખામણીમાં વધુ ચૅલેન્જિંગ લાગી રહી છે.
સિંધુ ગુરુવારે એક ઇવેન્ટમાં હાજરી આપવા મુંબઈમાં હતી. તેણે પીટીઆઇને આપેલી મુલાકાતમાં કહ્યું, ‘અગાઉની બન્ને ઑલિમ્પિક્સ અલગ હતી. પૅરિસની ઑલિમ્પિક ગેમ્સ એમની તુલનામાં વધુ પડકારરૂપ હશે. જોકે મને એ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં રમવાનો સારો અનુભવ છે એટલે આ વખતે હું વધુ સારી તૈયારી સાથે એમાં રમીશ.’
સિંધુ ઈજાને કારણે ત્રણ મહિનાથી બૅડ્મિન્ટન કોર્ટથી દૂર રહી છે. છેલ્લા 18 મહિના દરમ્યાન તે અસલ ફૉર્મમાં પણ નથી જોવા મળી. 2022માં તેને ડાબા પગની ઘૂંટીમાં સ્ટ્રેસ ફ્રૅક્ચર થયું હતું અને પછી તેને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી.
સિંધુએ ગયા વર્ષે સાઉથ આફ્રિકન કોચ પાર્ક ટે-સૅન્ગ સાથેનો કૉન્ટ્રૅક્ટ રિન્યૂ નહોતો કર્યો. એ પછી તેણે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની વિધિ ચૌધરી હેઠળ અને પછી મલેશિયાના ભૂતપૂર્વ ચૅમ્પિયન ખેલાડી મુહમ્મદ હફીઝ હાશિમ હેઠળ તાલીમ લીધી હતી, પણ એનાથી પણ કોઈ ફાયદો ન થયો. થોડા સમય બાદ ભારતના બૅડ્મિન્ટન લેજન્ડ પ્રકાશ પદુકોણના હાથ નીચે તેણે ટ્રેઇનિંગ શરૂ કરી જેનાથી તેને ઘણો ફાયદો થયો છે. ખુદ સિંધુએ જ પીટીઆઇને કહ્યું, ‘હવે તો મારા ટ્રેઇનર, ન્યૂટ્રિશનિસ્ટ, કોચ અને મેન્ટર બધા જ નવા છે. તેમના બધાથી હું ખૂબ ખુશ છું અને મને અસલ ફૉર્મ પાછું મેળવવામાં તેમના તરફથી ઘણી મદદ મળી રહી છે. ખાસ કરીને હું આપણા દેશના લેજન્ડરી ખેલાડી પ્રકાશજીના હાથ નીચે તાલીમ લઈ રહી છું એ મારું સૌભાગ્ય છે.’
સિંધુએ ઑલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને કહ્યું, ‘હું ત્રણ મહિનાથી નથી રમી એટલે ફરી ટૂર્નામેન્ટ રમવા લાગીશ ત્યારે મને બરાબર ખબર પડશે કે આગળ જતાં હું કેવું રમી શકીશ.’
આગામી 13થી 18 ફેબ્રુઆરી દરમ્યાન મલેશિયામાં બૅડ્મિન્ટન એશિયા ટીમ ચૅમ્પિયનશિપ રમાશે અને સિંધુ એ ટૂર્નામેન્ટથી રમવાનું ફરી શરૂ કરશે.