બૅડમિન્ટનમાં ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયને બીજી ભૂતપૂર્વ વિશ્વ વિજેતાને હરાવી

જકાર્તાઃ અહીં ઇન્ડોનેશિયા (INDONESIA) ઓપન નામની બૅડમિન્ટન (BADMINTON) સ્પર્ધામાં મંગળવારે ભારતની પી. વી. સિંધુ (PV SINDHU) પ્રથમ રાઉન્ડમાં જીતીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. જોકે ભારતનો લક્ષ્ય સેન વર્લ્ડ નંબર-ટૂ ચીનના શી યુ કીને લડત આપ્યા બાદ હારી ગયો હતો.
ઑલિમ્પિક્સના બે મેડલ જીતી ચૂકેલી સિંધુ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન છે અને તેણે જાપાનની ભૂતપૂર્વ વિશ્વ વિજેતા નૉઝોમી ઑકુહરાને 22-20, 21-23, 21-15થી હરાવી દીધી હતી. તેમની આ મૅચ એક કલાક અને 19 મિનિટ સુધી ચાલી હતી. સિંધુનો હવે ઑકુહરા (NOZOMI OKUHARA) સામે 11-9નો જીત-હારનો રેકૉર્ડ છે.
આપણ વાંચો: મલયેશિયા બૅડમિન્ટનમાં ભારતના ચાર પુરુષ ખેલાડી ચમક્યા, પણ મહિલા ચૅમ્પિયન સિંધુ…
ભારતનો 23 વર્ષીય લક્ષ્ય સેન 2021ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તે તાજેતરમાં જ પીઠની ઈજામાંથી સાજો થયો છે. તે ગયા અઠવાડિયે મલયેશિયા ઓપનમાં નહોતો રમી શક્યો.
તે વર્લ્ડ નંબર-ટૂ શી યુ કી સામે પ્રથમ ગેમ 11-21થી હારી ગયો હતો, પણ બીજી ગેમ 22-20થી જીતીને સ્કોર લેવલ કરવામાં સફળ થયો હતો. જોકે ત્રીજી ગેમમાં તે લડત આપ્યા પછી 15-21થી પરાજિત થયો હતો.
આપણ વાંચો: બૅડમિન્ટનમાં ભારતીય મહિલા ખેલાડીઓએ ચીની હરીફોને ધૂળ ચટાડી…
ભારતનો જ એચ. એસ. પ્રણોય પણ પ્રથમ રાઉન્ડમાં હારી ગયો હતો. તેનો ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાન સામે 17-21, 18-21થી પરાભવ થયો હતો.
ભારતની બે મહિલા ખેલાડીઓ માલવિકા બનસોડ અને અનુપમા ઉપાધ્યાય બીજા રાઉન્ડમાં નહોતી પહોંચી શકી. બનસોડ બૅડમિન્ટન કોર્ટ પર લપસી ગઈ હતી અને તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી જેને લીધે 21-16, 16-15થી આગળ રહ્યા બાદ મૅચમાંથી નીકળી ગઈ હતી. અનુપમાનો કોરિયાની કિમ ગા ઇઉન સામે 15-21, 9-21થી પરાજય થયો હતો.