
મુલ્લાનપુર: આઇપીએલના નવા સ્થળ મુલ્લાનપુરમાં જે બે મૅચ રમાઈ છે એમાં સ્પષ્ટ સંકેત મળ્યો છે કે મોહાલીના આ મેદાન પર ફાસ્ટ બોલર્સનું રાજ રહ્યું છે.
શનિવારની એકમાત્ર મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) આ મેદાન પર રમાવાની છે અને એમાં યજમાન પંજાબ કિંગ્સ તથા રાજસ્થાન રૉયલ્સના ઝડપી બોલર્સ ચડિયાતા પુરવાર થવા પૂરી કોશિશ કરશે. અહીં અત્યાર સુધીની બે મૅચમાં જે 30 વિકેટ પડી છે એમાંથી 27 વિકેટ બોલર્સે લીધી છે અને ત્રણ રનઆઉટ થયા છે. 27માંથી 23 વિકેટ ફાસ્ટ બોલર્સે લીધી છે એ જ બતાવે છે કે પંજાબના કૅગિસો રબાડા, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, સૅમ કરૅન, સિકંદર રઝાને અને સામી બાજુએ કુલદીપ સેન, નૅન્ડ્રે બર્ગર, આવેશ ખાન, ટ્રેન્ટ બૉલ્ટને પણ આ ગ્રાઉન્ડ પર સફળ થવાનો સારો મોકો છે.
મંગળવારે મુલ્લાનપુરમાં હૈદરાબાદ સામે પંજાબે શશાંક સિંહ અને આશુતોષ શર્માની યાદગાર ભાગીદારી છતાં માત્ર બે રનથી પરાજય જોવો પડ્યો હતો. હૈદરાબાદનો ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી (64 રન અને એક વિકેટ) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
શનિવારની પંજાબ-રાજસ્થાન મૅચની મૅચની વાત પર ફરી આવીએ તો રાજસ્થાનનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ જો ત્રણ વિકેટ લેશે તો આઇપીએલના 16 વર્ષના ઇતિહાસમાં રમી ચૂકેલા તમામ બોલર્સમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બનશે. જોકે મુલ્લાનપુરમાં ફાસ્ટ બોલર્સ વધુ સફળ રહે છે એના બે પુરાવા એ છે કે તેમની 19.7ની ઍવરેજ બેસ્ટ છે અને પાવરપ્લેમાં માત્ર 7.7નો સૌથી નીચો રન રેટ રહ્યો છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન આ મુજબ હોઈ શકે:
પંજાબ: શિખર ધવન (કૅપ્ટન), જૉની બેરસ્ટૉ, પ્રભસિમરન સિંહ, સૅમ કરૅન, જિતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, આશુતોષ શર્મા, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ/અર્શદીપ સિંહ અને કૅગિસો રબાડા.
રાજસ્થાન: સંજુ સૅમસન (કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જૉસ બટલર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર, આર. અશ્ર્વિન, ટ્રેન્ટ બૉલ્ટ, આવેશ ખાન, નેન્ડ્રે બર્ગર/કુલદીપ સેન અને યુઝવેન્દ્ર ચહલ.