IPL 2024સ્પોર્ટસ

ફાસ્ટેસ્ટ મયંક યાદવ સામે પંજાબ પરાસ્ત

ડેબ્યૂમાં જ પહેલી ત્રણ વિકેટ મેળવી લખનઊને અપાવ્યો વિજય

લખનઊ: ફેબ્રુઆરીમાં રાંચીમાં જેમ બિહારના ફાસ્ટ બોલર આકાશ દીપે ટેસ્ટ-ડેબ્યૂના પહેલાં જ દિવસે ઈંગ્લેન્ડની પહેલી ત્રણ વિકેટ લઈને ભારતને જીતનો પસ્યો નાખી આપ્યો હતો એમ લખનઊમાં આઈપીએલમાં પોતાના ડેબ્યૂમાં લખનઊ સુપર જાયન્ટ્સના ૨૧ વર્ષના નવા ફાસ્ટ બોલર મયંક યાદવે (૪-૦-૨૭-૩) બરાબર ૨૦૦ રનના લક્ષ્યાંકનો સામનો કરી રહેલી પંજાબ કિંગ્સની ટીમનો ટૉપ ઑર્ડર સાફ કરીને લખનઊ માટે વિજયનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.

વધુ મહત્વની વાત એ છે કૅ મયંક યાદવ આઈપીએલની આ સીઝનનો ફાસ્ટેસ્ટ બોલર અને આઈપીએલના ઇતિહાસનો સેકન્ડ-ફાસ્ટેસ્ટ બોલર બન્યો હતો. તેણે કલાકે ૧૫૫.૮ કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યો હતો. આઈપીએલમાં તે ૧૫૫થી વધુ ઝડપે બૉલ ફેંકનાર ઉમરાન મલિક (૧૫૭ કિલોમીટર) પછીનો બીજો બોલર છે.

પંજાબની ટીમ ૨૦૦ રનના લક્ષ્યાંક સામે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૮ રન બનાવી શકી હતી અને કાર્યવાહક સુકાની નિકોલસ પૂરનની ટીમનો ૨૧ રનથી વિજય થયો હતો.

કેપ્ટન શિખર ધવન (૭૦ રન, ૫૦ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને જોની બેરસ્ટો (૪૨ રન, ૨૯ બૉલ, ત્રણ, ત્રણ)ની ઓપનિંગ જોડીએ પંજાબને બહુ જ સારી શરૂઆત કરી આપી હતી. તેમની વચ્ચે ૧૦૨ રનની ભાગીદારી થઈ હતી. જોકે બારમી ઓવરમાં મયંક ત્રાટક્યો હતો અને પંજાબના વળતા પાણીનો આરંભ થયો હતો. ૨૦૨૩ની આઈપીએલમાં ખૂબ ચમકેલો પ્રભસિમરન સિંહ (૭ બૉલમાં ૧૯ રન) આ વખતની સીઝનમાં ૩૦ રન પાર નથી કરી શક્યો જે પંજાબને ભારે પડી રહ્યું છે. મયંક યાદવે તેને અને વિકેટકીપર જિતેશ શર્મા (૬ રન)ને પણ આઉટ કરીને પંજાબનું જીતવું મુશ્કેલ કરી નાખ્યું હતું. ૧૪મી ઓવરમાં ધવનને મોહસીને કીપર ડિકોકના હાથમાં કેચઆઉટ કરાવ્યો એ સાથે પંજાબના વિજયની આશા પર પૂર્ણવિરામ લગભગ મૂકાઈ ગયું હતું.

લિવિંગસ્ટન (૧૭ બૉલમાં ૨૮ અણનમ) અને શશાંક સિંહ (સાત બૉલમાં નવ રન)ની અતૂટ જોડી માટે પંજાબને જીતાડવું અસંભવ બનું હતું કારણકે ડેથ ઓવર્સમાં નવીનની ૧૮મી ઓવરમાં માત્ર આઠ અને કૃણાલ પંડ્યાની ૧૯મી ઓવરમાં ફક્ત સાત રન બન્યા હતા.

મોહસીને બે વિકેટ લીધી હતી. ડેબ્યૂમૅન મયંક યાદવને ત્રણ વિકેટના મૅચ વિનિંગ તરખાટ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

એ પહેલાં, લખનઊ સુપર જાયન્ટ્સ (એેલએસજી)એ હોમ-ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે ટૉસ જીતીને બૅટિંગ લીધી. ઓપનર ક્વિન્ટન ડિકૉક (54 રન, 38 બૉલ, બે સિક્સર, પાંચ ફોર), કાર્યવાહક કૅપ્ટન નિકોલસ પૂરન (42 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) અને છેલ્લે છેલ્લે કૃણાલ પંડ્યા (43 અણનમ, બાવીસ બૉલ, બે સિક્સર, ચાર ફોર)ની ત્રિપુટીએ એવી ફટકાબાજી કરી કે છેવટે ટીમનો સ્કોર 200 રનની લગોલગ પહોંચી ગયો હતો.

એલએસજીએ 20 ઓવરમાં 199 રન બનાવીને પંજાબને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

પંજાબના બોલર્સમાં હર્ષલ પટેલ (4-0-45-0) સૌથી મોંઘો સાબિત થયો હતો. બીજી તરફ, સૅમ કરૅન (4-0-28-3) સૌથી સફળ હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button