ગઈ કાલે મંગળવારે દુબઈમાં IPLનું મીની ઓક્શન યોજાયું હતું. જેમાં પંજાબ કિંગ્સે 8 ખેલાડીઓ ખરીદ્યા હતા, પરંતુ આ દરમિયાન પંજાબ કિંગ્સે એક મોટી ગફલત કરી હતી, ફ્રેન્ચાઈઝીએ ખોટા ખેલાડી ખરીદી લીધો હતો. ભૂલની જાણ થતાં, ફ્રેન્ચાઇઝીએ હરાજી કરનાર મલ્લિકા સાગર સમક્ષ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ તેમને જાણ કરવામાં આવી હતી કે બિડ પહેલા જ ક્લોઝ થઈ ગઈ છે, તેને ઉલટાવી શકાય નહીં.
પંજાબ કિંગ્સે અનકેપ્ડ ભારતીય શશાંક સિંઘને ખરીદ્યો હતો. હરાજીમાં ખરીદવામાં આવ્યો હોવા છતાં, તે ખુશ નથી, કેમ કે ફ્રેન્ચાઈઝી તેને ભૂલથી ખરીદ્યો હતો, તેની ટીમમાં જરૂર ન હતી.
ઓક્શન રૂમમાં રહેલી ફ્રેન્ચાઇઝીઓ પાસે તેમના લેપટોપ સ્ક્રીન પર ખેલાડીઓનું સંપૂર્ણ રોસ્ટર હતું. તમામ ફ્રેન્ચાઇઝીઓ હરાજી રૂમમાં પહોંચતા પહેલા હોમવર્ક કરે છે, તેઓને કયા ખેલાડીઓ ખરીદવાની જરૂર છે તેનું વિશ્લેષણ કરે છે. પરંતુ, પંજાબ કિંગ્સના નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને તેમની ટીમે હરાજીના ટેબલ પર મોટી ભૂલ કરી હતી, તેઓ છત્તીસગઢના ખેલાડી શશાંક સિંહને અન્ય કોઈ ખેલાડી સમજીને ખરીદી લીધો હતો. તેઓ ભૂલને સુધારી શકે ત્યાં સુધીમાં બીડ ક્લોઝ થઇ ગઈ હતી.
ઝડપી તબક્કામાં PBKS અને અન્ય ફ્રેન્ચાઇઝીસ INR 20 લાખની બેઝ પ્રાઈઝની શ્રેણીમાં કેટલાક અનકેપ્ડ ભારતીય ખેલાડીઓને ખરીદવાનું વિચારી રહી હતી. જ્યારે શશાંકનું નામ આવ્યું ત્યારે પ્રીતિ ઝિન્ટાએ પોતાની ટીમ સાથે ખેલાડી વિશે ચર્ચા કર્યા પછી પેડલ ઊંચક્યું. શશાંક ઝડપથી વેચાઈ ગયો કારણ કે તેના માટે અન્ય કોઈ ફ્રેન્ચાઈઝીએ બોલી લગાવી ન હતી અને હેમર ઠોકાઈ ગયું.
જ્યારે ઓક્શનર મલ્લિકા ખેલાડીઓના આગલા સેટ માટે હરાજી શરુ કરી, તનય ત્યાગરાજનનું નામ આવ્યું હતું, ત્યારે પીબીકેએસને તેમની ભૂલનો અહેસાસ થયો. PBKS ટેબલ પર પ્રીતિ, વાડિયા અને અન્ય લોકોને જાણવા મળ્યું કે તેઓ શશાંકને કોઈ અન્ય ખેલાડી સમજીને ભૂલથી ખરીદ્યો છે.
ઓક્શનર મલ્લિકાએ પૂછ્યું. “શું ખોટું નામ હતું? તમારે ખેલાડી નથી જોઈતો? આપણે શશાંક સિંહની વાત કરી રહ્યા છીએ. આ બીડ ક્લોઝ થઇ ગઈ છે.”
વાડિયા નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ મલ્લિકા તેના વલણ પર અડગ રહી. ખેલાડી ન જોઈતો હોવા છતાં, PBKS પાસે તેને તેમના રોસ્ટરમાં ઉમેરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.