સ્પોર્ટસ

ટેસ્ટ-ટીમમાં પુજારા ફરી ભુલાયો, જુરેલ સહિત ત્રણ વિકેટકીપર-બૅટર ટીમમાં સામેલ

મુંબઈ: ભારતમાં તાજેતરમાં જ વન-ડેનો વર્લ્ડ કપ રમાઈ ગયો અને થોડા સમય બાદ આઇપીએલ અને વર્લ્ડ કપ સહિત ટી-૨૦નો ઉત્સવ આવી રહ્યો છે એ પહેલાં ભારતીય ક્રિકેટરોએ ટેસ્ટના મોડમાં આવવાનું છે અને આ માટેની પસંદગી થઈ ગઈ છે.

ઇંગ્લૅન્ડ સામે પચીસમી જાન્યુઆરીએ શરૂ થનારી અને અગિયારમી માર્ચ સુધી ચાલનારી પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણી માટે ટીમ નક્કી કરવા અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં સિલેક્ટરો શનિવારે ભેગા થયા હતા અને તેમણે પહેલી બે ટેસ્ટ માટેની ૧૬ સભ્યોની ટીમ સિલેક્ટ કરી હતી. ફરી એકવાર ટેસ્ટ-સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્ર્વર પુજારાને અવગણવામાં આવ્યો છે.

આ સિલેક્શનની બે સૌથી મોટી બાબત એ છે કે મોહમ્મદ શમી પગની ઘૂંટીની ઈજાને લીધે પહેલી ટેસ્ટમાં નહીં રમે અને બીજું, ઉત્તર પ્રદેશના બાવીસ વર્ષના વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલનો સમાવેશ કરાયો છે. જુરેલનો સમાવેશ મોટી સરપ્રાઇઝ તેમ જ સનસનાટી પણ છે. એ સાથે ટીમમાં કુલ એક કે બે નહીં, પણ ત્રણ વિકેટકીપર-બૅટર સામેલ છે. કેએલ રાહુલ અને કેએસ ભરત બીજા બે વિકેટકીપર છે. જુરેલનું ભારત વતી આ ડેબ્યૂ છે અને તેનો સમાવેશ રાહુલ તથા ભરતના બૅક-અપ તરીકે જ થયો છે. ઇશાન કિશને સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટમાંથી બ્રેક લીધો હતો.
આગ્રામાં જન્મેલા જુરેલે તાજેતરમાં સાઉથ આફ્રિકા-એ સામેની એક મૅચમાં ઇન્ડિયા-એ વતી હાફ સેન્ચુરી (૬૯ રન) ફટકારી હતી. અમદાવાદમાં ઇંગ્લૅન્ડ લાયન્સ સામેની મૅચમાં પણ તેણે હાફ સેન્ચુરી (૫૦ રન) ફટકારી છે. રાઇટ-હૅન્ડ બૅટર જુરેલે ૧૫ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૭૯૦ રન બનાવ્યા છે, જ્યારે ૨૦૨૩ની આઇપીએલમાં તેણે રાજસ્થાન રૉયલ્સ વતી ૧૩ મૅચમાં માત્ર ૧૫૨ રન બનાવ્યા હતા, પરંતુ એ દોઢસો જેટલા રન ૧૭૩.૦૦ના ઊંચા સ્ટ્રાઇક-રેટ સાથે બન્યા હતા. ચાર વર્ષ પહેલાંના અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં જુરેલ ટીમનો વાઇસ-કૅપ્ટન હતો.

સિરીઝ ભારતની ટર્નિંગ પિચો પર રમાશે એટલે રોહિત શર્માની કૅપ્ટન્સીમાં રમનારી આ ટીમમાં સ્પિનરો કુલદીપ યાદવ અને અક્ષર પટેલને ફરી સ્થાન અપાયું છે. આર. અશ્ર્વિન અને રવીન્દ્ર જાડેજા ટીમના મુખ્ય બે સ્પિનર છે. પેસ બોલરોમાં વાઇસ-કૅપ્ટન જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને આવેશ ખાનનો સમાવેશ છે.

પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને થોડા દિવસ પહેલાં રણજી ટ્રોફીની મૅચ દરમ્યાન સાથળમાં ઈજા થઈ હોવાથી, ઋતુરાજ ગાયકવાડને આંગળીની ઈજાને કારણે તેમ જ પેસ બોલર શાર્દુલ ઠાકુરે સાઉથ આફ્રિકા સામેની તાજેતરની પ્રથમ ટેસ્ટમાં ૧૯ ઓવરમાં ૧૦૧ રન આપી દીધા હોવાથી ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા.

ભારતની પ્રથમ બે ટેસ્ટ માટેની ટીમ:
રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર. અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ (વાઇસ-કૅપ્ટન), મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને આવેશ ખાન.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત