સ્પોર્ટસ

પૂજારા પછી જૅક્સનની પણ સદી, બોલરોએ સૌરાષ્ટ્રને વિજયની આશા અપાવી

છત્તીસગઢ સામે મુંબઈ સારી સ્થિતિમાં: ગુજરાતે લીધી ૧૨૦ની લીડ

જયપુર: રણજી ટ્રોફીની ચાર દિવસની મૅચમાં શનિવારે બીજા દિવસે શેલ્ડન જૅક્સન (૧૧૬ રન, ૨૪૯ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)ની સદીના જોરે સૌરાષ્ટ્રનો પ્રથમ દાવ ૩૨૮ રન સુધી પહોંચી શક્યો હતો. આ સવાત્રણસો રનમાં ચેતેશ્ર્વર પૂજારા (૧૧૦ રન, ૨૩૦ બૉલ, નવ ફોર)ની સેન્ચુરીનો પણ સમાવેશ હતો. તેણે ટેસ્ટ મૅચો સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કુલ ૨૦,૨૦૦થી વધુ રન બનાવ્યા છે જેમાં ૬૨ સેન્ચુરી સામેલ છે અને ૩૫૨ રન તેનો હાઇએસ્ટ સ્કોર છે.

જયપુરની મૅચમાં સૌરાષ્ટ્રના ૩૨૮ રન બન્યા પછી રાજસ્થાને છ વિકેટે ૧૫૯ રન બનાવ્યા હતા. ટીમમાં એકેય હાફ સેન્ચુરી નહોતી અને કૅપ્ટન દીપક હૂડા ૩૬ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. સૌરાષ્ટ્રના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ડોડિયાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્રને આ મૅચ પણ જીતવાની તક છે.

રાયપુરમાં મુંબઈનો પ્રથમ દાવ ૩૫૧ રને પૂરો થયો ત્યાર બાદ છત્તીસગઢે ૧૮૦ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈના સાડાત્રણસો રનમાં પૃથ્વી શૉ (૧૫૯) અને ભુપેન લાલવાણી (૧૦૨)ની સદીનો સમાવેશ હતો.

પુણેમાં મહારાષ્ટ્રના ૨૦૮ રન સામે વિદર્ભએ છ વિકેટે ૪૩૯ રન બનાવ્યા હતા જેમાં કરુણ નાયરના અણનમ ૧૨૮ રન અને કૅપ્ટન અક્ષય વાડકરના ૯૦ રનનો સમાવેશ હતો.
મોહાલીમાં ગુજરાતના ૩૩૯ રન સામે પંજાબની ટીમ ૨૧૯ રનમાં ઑલઆઉટ થઈ જતાં ગુજરાતે ૧૨૦ રનની લીડ લીધી હતી. ગુજરાતના પ્રિયજિતસિંહ જાડેજાએ પાંચ વિકેટ અને ચિંતન ગજાએ ત્રણ વિકેટ લીધી હતી.

ઇન્દોરમાં મધ્ય પ્રદેશ સામે બરોડાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. મધ્ય પ્રદેશે ૪૫૪ રન બનાવ્યા બાદ બરોડાએ ૧૦૪ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.
ચેન્નઈમાં પડિક્કલના ૧૫૧ રનની મદદથી કર્ણાટકે ૩૬૬ રન બનાવ્યા બાદ તામિલનાડુએ ૧૨૯ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button