સ્પોર્ટસ

પૂજારા, પ્રેરક, અર્પિતની સદીથી સૌરાષ્ટ્ર વિજયની નજીક

શાર્દુલની કુલ 10 વિકેટના જોરે મુંબઈ એક દાવથી જીત્યું

રાજકોટ: અહીં ચાર દિવસની રણજી મૅચમાં શનિવારે બીજા દિવસે મણિપુર સામે સૌરાષ્ટ્રએ પહેલો દાવ 6 વિકેટના ભોગે બનેલા 529 રનના સ્કોર પર ડિક્લેર કરી દીધો હતો અને બીજા દાવમાં મણિપુરે ત્રણ વિકેટે પંચાવન રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર હજી 332 રનથી આગળ છે અને રવિવારે એક દાવથી જીતવાનો એને મોકો છે. પહેલા દાવમાં મણિપુરના 142 રન હતા.

સૌરાષ્ટ્રએ ત્રણ પ્લેયરની સેન્ચુરીની મદદથી સવાપાંચસોથી વધુ રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારાએ 105 બૉલમાં 108 રન, પ્રેરક માંકડે 173 બૉલમાં 173 રન અને કૅપ્ટન અર્પિત વસાવડાએ 197 બૉલમાં 148 રન બનાવ્યા હતા. મણિપુરના આઠ બોલરે બોલિંગ કરી હતી.

બીકેસીના મેદાન પર મુંબઈએ આસામ સામે એક દાવ અને 80 રનથી વિજય મેળવ્યો હતો. શાર્દુલ ઠાકુરે પહેલા દાવમાં છ વિકેટ અને બીજા દાવમાં ચાર વિકેટ સહિત કુલ 10 વિકેટ લીધી હતી.

પોર્વોરિમમાં ચાર દિવસની રણજી મૅચમાં ગોવાએ પહેલા દાવમાં 317 રન બનાવ્યા પછી બીજા દિવસે ગુજરાતે ઓપનર પ્રિયાંક પંચાલના 150 રનની મદદથી પાંચ વિકેટે 281 રન બનાવ્યા હતા. જોકે ગુજરાત હજી 36 રનથી પાછળ હતું, પણ રવિવારે સરસાઈ મેળવી લેશે.

દેહરાદૂનમાં ઉત્તરાખંડે 382 રન બનાવ્યા પછી બરોડાની ટીમ 180 રનમાં ઑલઆઉટ થઈ જતાં ઉત્તરાખંડે 202 રનની લીડ લીધી હતી અને બીજા દાવના 29/2ના સ્કોર સાથે ઉત્તરાખંડની ટીમ 231 રનથી આગળ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button