મુશીર ખાન બે શબ્દ બોલ્યો અને પૃથ્વી તેનો કૉલર પકડીને બૅટથી મારવા ગયો!

પુણેઃ મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે તાજેતરમાં રણજી ટ્રોફી પહેલાંની પુણે ખાતેની ત્રણ દિવસની પ્રૅક્ટિસ મૅચ (practice match)ના પ્રથમ દિવસે મુંબઈના ભૂતપૂર્વ ખેલાડી પૃથ્વી શૉ (Prithvi Shaw) અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી રમતા મુશીર ખાન (Musheer khan) વચ્ચે જે ઝઘડો થયો હતો
એ સંબંધમાં બન્ને સામે કોઈ પગલાં લેવા કે નહીં અને કેવા પ્રકારના પગલાં લેવા એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને એમસીએના સલાહકાર દિલીપ વેન્ગસરકર નક્કી કરવાના હતા એ દરમ્યાન અહેવાલ બહાર આવ્યો હતો કે મુશીર ખાને સ્લેજિંગ કર્યું એને પગલે પૃથ્વી ભડક્યો હતો અને મુશીરને મારવા દોડ્યો હતો.
આપણ વાંચો: પૃથ્વી શૉ અને મુશીર ખાન રમતાં-રમતાં ઝઘડી પડ્યા
પૃથ્વી શૉ અગાઉ કેટલાક વિવાદો ઊભા કરી ચૂક્યો છે. મંગળવારે પૃથ્વીએ મુંબઈના પોતાના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ સામેની મૅચમાં 181 રન કર્યા હતા. મુશીર ખાને તેની વિકેટ લીધી હતી.
મુશીર તેને આઉટ કર્યા પછી કટાક્ષમાં ` થૅન્ક યૂ’ બોલ્યો હતો જેના કારણે પૃથ્વી ગુસ્સે થયો હતો જેને પગલે પૃથ્વીની મુશીર સાથે ઉગ્ર દલીલ થઈ હતી અને અમ્પાયર બન્નેને છોડાવવા દોડી આવે એ પહેલાં પૃથ્વીએ મુશીરનો કૉલર પકડ્યો હતો અને બૅટથી તેને મારવાનો પ્રયાસ કર્યો હતો.
આપણ વાંચો: પૃથ્વી શૉને છેડતીના કેસમાં 100 રૂપિયાનો દંડ અને વધુ એક મોકો, જાણો શું છે આખો મામલો
એક અહેવાલ અનુસાર પૃથ્વીની 181 રનની આખી ઇનિંગ્સ દરમ્યાન સ્લેજિંગ ચાલ્યું હતું અને તે આઉટ થયો ત્યારે મામલો ચરમસીમાએ પહોંચી ગયો હતો.
આંતરરાષ્ટ્રીય મૅચની માફક ડોમેસ્ટિક મૅચમાં પણ ખેલાડીઓ શિસ્ત જાળવે અને એકમેક સામે અભદ્ર વર્તન ન કરે એ અત્યંત જરૂરી છે અને એ વાતને લક્ષમાં રાખીને પૃથ્વી-મુશીર સાથે દિલીપ વેન્ગસરકર વાતચીત કરશે તેમ જ એને આધારે અહેવાલ આપશે એવા રિપોર્ટ વચ્ચે મહારાષ્ટ્રની ટીમના સુકાની અંકિત બાવણેએ એક જાણીતી વેબસાઇટને કહ્યું હતું કે ` આ માત્ર પ્રૅક્ટિસ-મૅચ હતી અને તેઓ બધા ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ હતા. ક્યારેક આવી ઘટના બની જતી હોય છે. જોકે હવે બધું ઠીક છે અને કોઈ જ ટેન્શન નથી.’
આ મૅચમાં પૃથ્વીએ 220 બૉલમાં 181 રન અને તેના સાથી બૅટ્સમૅન અર્શિન કુલકર્ણીએ 140 બૉલમાં 186 રન કર્યા હતા.