પૃથ્વી શૉને ડ્રૉપ કર્યો એટલે એ ભાઈ રિસાઈ ગયા…જાણો, બાદબાકીના બે કારણ અને તેની પ્રતિક્રિયા

મુંબઈ: અજિંક્ય રહાણેના સુકાનમાં રણજી ટ્રોફીમાં મુંબઈએ મહારાષ્ટ્રને નવ વિકેટે હરાવી દીધું ત્યાર બાદ હવે મુંબઈની આગામી મૅચ શનિવારથી ત્રિપુરા સામે રમાવાની છે અને એ માટેની ટીમમાંથી પોતાની બાદબાકી થઈ એ ઓપનિંગ બૅટર પૃથ્વી શૉને નથી ગમ્યું લાગતું એવું એક અહેવાલ પરથી જાણવા મળ્યું છે.
પૃથ્વી શૉ આગામી નવમી નવેમ્બરે પચીસ વર્ષનો થશે. ભારત વતી પાંચ ટેસ્ટ, છ વન-ડે અને એક ટી-20 રમી ચૂકેલો પૃથ્વી રણજી ટ્રોફીની નવી સીઝનની પહેલી બે મૅચના ચાર દાવમાંથી ત્રણ દાવમાં ફ્લૉપ ગયો હતો. એ બે મૅચમાં તેના રન આ મુજબ હતા: 7, 12, 1 અને અણનમ 39.
ત્રિપુરા સામેની મૅચ માટેની ટીમમાં પૃથ્વીનું કેમ નથી એનું કારણ સત્તાવાર રીતે જાણવા નથી મળ્યું, પરંતુ એક વેબસાઇટના અહેવાલ મુજબ પૃથ્વીને શિસ્ત સંબંધિત બે કારણસર નવી મૅચમાં રમવાનો મોકો નથી મળવાનો.
આ પણ વાંચો : રેસ્ટ ઑફ ઇન્ડિયાનો ધબડકો, પૃથ્વીએ મુંબઈને વિજયની આશા અપાવી
પૃથ્વી નેટ પ્રૅક્ટિસના સેશનને ગંભીરતાથી નથી લેતો અને તેના શરીરનું વજન પણ ઘણું વધી ગયું છે. આ બે કારણસર પૃથ્વીને ત્રિપુરા સામેની મૅચમાં નહીં રમાડવામાં આવે એવું અહેવાલમાં જણાવાયું હતું.
પૃથ્વીએ આ બાદબાકી જાણે પોતાને ન ગમી હોય એવા સંકેત સાથે ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પરની પોસ્ટમાં ચાર શબ્દમાં પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેણે સ્માઇલિંગ ઇમોજી સાથે લખ્યું છે, ‘બ્રેકની જરૂર છે, આભાર.’
જોકે કેટલાક અહેવાલો મુજબ પૃથ્વીને પડતો મૂકવામાં આવ્યો હોવાના સૌથી પહેલા અહેવાલો જાહેર કરાયા એ પહેલાં જ પૃથ્વીની પોસ્ટ જાહેર થઈ હતી.
કહેવાય છે કે પૃથ્વીને વજન ઘટાડવાનું કહેવાયું છે અને એ માટે તેને મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ)ના ટ્રેઇનર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા બે અઠવાડિયાના ફિટનેસ પ્રોગ્રામને અનુસરવાનું કહેવામાં આવ્યું છે. ટીમ મૅનેજમેન્ટે એમસીએને જણાવ્યું છે કે પૃથ્વીના શરીરમાં 35 ટકા ચરબી છે.
ટીમ મૅનેજમેન્ટમાં કૅપ્ટન અજિંક્ય રહાણે અને હેડ-કોચ ઓમકાર સાળવીનો સમાવેશ છે. તેઓ તેમ જ સિલેક્ટરોનું કહેવું છે કે પૃથ્વી નેટ પ્રૅક્ટિસ સેશનને સિરિયસલી નથી લેતો.
શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દી ધરાવતો મુંબઈનો કૅપ્ટન રહાણે તેમ જ બીજા બે સિનિયર પ્લેયરો શ્રેયસ ઐયર તથા શાર્દુલ ઠાકુર સતતપણે નેટમાં પ્રૅક્ટિસ કરતા હોય છે, પરંતુ પૃથ્વીએ કેટલાક સેશનમાં હાજરી ન આપી હોવાનું મનાય છે અને જ્યારે સેશનમાં આવતો હોય છે ત્યારે એને હળવાશથી લેતો હોય છે તેમ જ બહુ જલદી આઉટ થઈ જતો હોય છે.
પૃથ્વી શૉ અને સચિન તેન્ડુલકર માત્ર એવા બે બૅટર છે જેમણે રણજી ટ્રોફી તથા દુલીપ ટ્રોફીના ડેબ્યૂમાં સદી ફટકારી હતી. સૌથી યુવાન વયે ટેસ્ટના ડેબ્યૂમાં સદી ફટકારવાનો રેકૉર્ડ પણ તેના નામે છે. પૃથ્વીની ટૅલન્ટ બાબતમાં કોઈ જ શક નથી, પરંતુ તેને ઈજાઓ નડી છે તેમ જ તેના કેટલાક ઑફ-ધ-ફીલ્ડ કિસ્સા ચર્ચાસ્પદ બન્યા છે. ઑક્ટોબર, 2018 પછી તે ટેસ્ટ નથી રમ્યો. આઇપીએલમાં તે દિલ્હી કૅપિટલ્સ વતી રમે છે, પણ 2024ની સીઝનમાં તેને કેટલીક મૅચોમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. એવું મનાય છે કે 2025ની સીઝન માટે પૃથ્વીને રીટેન નહીં કરવામાં આવે.