ભારત સામેની ટી-20 વર્લ્ડ કપ મૅચ વિશે પાકિસ્તાનના વડા પ્રધાને હવે કહી જ દીધું કે…

કરાચી: આગામી 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત (India) સામેની ટી-20 વર્લ્ડ કપ મૅચમાં પાકિસ્તાન (Pakistan) રમશે કે નહીં એ વિશે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે મૌન તોડ્યું છે.
વિશ્વ કપ શનિવાર સાતમી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહ્યો છે અને ભારત-પાકિસ્તાન મૅચને આડે માંડ દસ દિવસ બાકી છે ત્યારે પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટરે મોટું નિવેદન આપી દીધું છે.
શેહબાઝ શરીફે બુધવારે તેના પ્રધાનોને સંબોધતા કહ્યું હતું કે ‘ ભારત સામેની વર્લ્ડ કપ મૅચ બાબતમાં આપણે બહુ સમજી વિચારીને અભિગમ અપનાવ્યો છે અને હું દ્રઢપણે માનું છું કે આપણે બાંગ્લાદેશની પડખે રહેવું જ જોઈએ.’
ભારત સામેની 15મી ફેબ્રુઆરીની મૅચ ન રમવા વિશે થોડા દિવસ પહેલાં પાકિસ્તાન સરકારનું ટ્વીટ એક્સ પર હતું, પરંતુ પાકિસ્તાન સરકાર તરફથી સત્તાવાર રીતે પહેલી જ વખત નિવેદન આપવામાં આવ્યું છે.
બાંગ્લાદેશની હકાલપટ્ટી
હિન્દુ વિરોધી દેશ બાંગ્લાદેશે ભારતમાં મૅચો રમવાની ના પાડતાં આઇસીસીએ એને ટૂર્નામેન્ટની બહાર કર્યું એટલે પાકિસ્તાને બીસીસીઆઈ પર ગુસ્સો કાઢીને ભારત સામે રમવાની ના પાડી છે.
આપણું વલણ સ્પષ્ટ: શરીફ
શેહબાઝ શરીફે પ્રધાનોને કહ્યું, ‘ ટી 20 વિશ્વ કપમાં આપણે ભારત સામે મૅચ નહીં રમીએ એવું સ્પષ્ટ વલણ આપણે અપનાવી લીધું છે, કારણકે ખેલકૂદના મેદાન પર રાજકારણ હોવું જ ન જોઈએ. આપણો નિર્ણય એકદમ યોગ્ય છે.’
પાકિસ્તાને કરોડો રૂપિયા ગુમાવવા પડશે
આઇસીસીના 2024-2027ના નાણાકીય ચક્ર મુજબ પાકિસ્તાનને આઇસીસીની આવકમાંથી કુલ 144 મિલિયન ડોલર (અંદાજે 40 અબજ પાકિસ્તાની રૂપિયા) મળે અને વાર્ષિક ધોરણે 38 મિલિયન ડોલર (10 અબજ રૂપિયા) મળે એવું પણ નક્કી થયું છે. 40 અબજ રૂપિયામાંથી ઘણી રકમ પાકિસ્તાનને મળી ચૂકી છે જેનો એણે સ્ટેડિયમો બનાવવા સહિતના કાર્યો પાછળ ખર્ચ કર્યો છે. જોકે હવે ભારત સામે એ ન રમે તો આઇસીસી એને બાકી રહેલા હિસ્સામાંથી કરોડો રૂપિયા ન પણ આપે.
આપણ વાંચો: સાઉથ આફ્રિકાએ ઇશાન, તિલક, સૂર્યા, અક્ષર અને હાર્દિકનો પરચો જોઈ લીધો…



