ઝળહળતી ટ્રોફી તમારી તનતોડ મહેનતનું ઉદાહરણ છેઃ પીએમ મોદી

વડા પ્રધાને સૌપ્રથમ બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતનાર ભારતીય મહિલા ટીમને કહ્યું, ` તમારી ઐતિહાસિક સિદ્ધિ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે’
નવી દિલ્હીઃ ભારતની જે મહિલા ક્રિકેટ ટીમ તાજેતરમાં સૌપ્રથમ બ્લાઇન્ડ (BLIND) ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી એની ખેલાડીઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મળ્યા હતા અને તેમની ભરપૂર પ્રશંસા કરી હતી, શાબાશી આપી હતી તેમ જ ભવિષ્ય માટે તેમને શુભેચ્છા આપી હતી.

ભારતીય મહિલા (women’s) ટીમે કોલંબોની ફાઇનલમાં નેપાળને સાત વિકેટે હરાવી દીધી હતી. ભારતની સિનિયર મહિલા ખેલાડીઓની રાષ્ટ્રીય ટીમે તાજેતરમાં પહેલી વાર વન-ડેનો વર્લ્ડ કપ જીતી લીધો ત્યાર બાદ હવે જોઈ ન શકતી મહિલા ખેલાડીઓ પણ ઐતિહાસિક વિશ્વ કપ ટ્રોફી જીતી છે.
ઉલ્લેખનીય છે કે 2007માં પુરુષોની ટી-20માં પહેલી વાર જે વર્લ્ડ કપ રમાયો હતો એ એમએસ ધોનીના સુકાનમાં ભારતે જીતી લીધો હતો અને એવી જ અપ્રતિમ ઉપલબ્ધિ ભારતની બ્લાઇન્ડ મહિલા ક્રિકેટર્સે મેળવી છે. આ ટીમમાં સંપૂર્ણપણે ન જોઈ શકતી તથા આંશિક દૃષ્ટિ ધરાવતી ખેલાડીઓએ ભાગ લીધો હતો.

વર્લ્ડ ચૅમ્પિયન બ્લાઇન્ડ વિમેન્સ ટીમની ખેલાડીઓના ઑટોગ્રાફ ધરાવતું બૅટ વડા પ્રધાન (PM MODI)ને ભેટ આપવામાં આવ્યું હતું, જ્યારે વડા પ્રધાને તેમને મીઠાઈ ખવડાવી હતી તેમ જ ક્રિકેટ બૉલ પર પોતાનો ઑટોગ્રાફ પણ આપ્યો હતો.
પીએમ મોદીએ પછીથી એક્સ’ પર લખ્યું હતું કે સૌપ્રથમ વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ જીતીને નવો ઇતિહાસ રચવા બદલ ભારતીય બ્લાઇન્ડ વિમેન્સ ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. વધુ પ્રશંસનીય બાબત એ છે કે તમે આખી ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી.

આ તમારી બહુ મોટી ઐતિહાસિક ઉપલબ્ધિ કહેવાય. તમે જે તનતોડ મહેનત કરી હતી એ આ ટ્રોફીના રૂપમાં ચમકતી દેખાય છે. તમારા ટીમ-વર્ક અને સંકલ્પશક્તિને પણ દાદ દેવી પડે. દરેક ખેલાડી ચૅમ્પિયન છે. આ વિજેતા ટીમને ભવિષ્યની ટૂર્નામેન્ટો અને સિરીઝો માટે શુભેચ્છા. તમારી આ સિદ્ધિ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.’
આ પણ વાંચો…ભારતની વર્લ્ડ ચૅમ્પિયન સ્ટાર જેમિમા રૉડ્રિગ્સ બિગ બૅશમાંથી કેમ નીકળી ગઈ?



