રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરી ભારતનેટી-૨૦ વર્લ્ડ કપમાં મજબૂત બનાવશે: રૈના

બેંગલૂરુ:ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ગુરુવારે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીને અફઘાનિસ્તાન સામેની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવાના નિર્ણયને સમજદારીપૂર્વકનો ગણાવ્યો હતો.
રોહિત અને કોહલી ૧૪ મહિના બાદ ભારતની ટી-૨૦ ટીમમાં પરત ફર્યા છે. રૈનાએ કહ્યું હતું કે તેની હાજરી ટીમને મજબૂત બનાવશે. રૈનાએ કહ્યું હતું કે જો તમે વર્લ્ડ કપ દરમિયાન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝના સ્ટેડિયમો જોઇશું તો ખ્યાલ આવશે કે પિચ થોડી મુશ્કેલ હશે. ભારતને ત્યાં રોહિત અને કોહલીના અનુભવની જરૂર પડશે. કોહલી ટી-૨૦ ક્રિકેટમાં ૧૨,૦૦૦ રન પુરા કરવાની નજીક છે. તેણે કહ્યું હતું કે “તેથી તેમની હાજરીથી ભારતની બેટિંગ વધુ મજબૂત થશે અને ભારતની ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાની તક ચોક્કસપણે વધુ સારી રહેશે.
રૈનાએ કહ્યું હતું કે વન-ડે વર્લ્ડ કપમાં તેનું ફોર્મ ઘણું સારું હતું અને કેપ્ટન તરીકે રોહિતની હાજરી ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓનું મનોબળ મજબૂત કરે છે. રૈનાના મતે કોહલીને ત્રીજા નંબર પર બેટિંગ કરવી જોઈએ અને ઇનિંગની શરૂઆતની જવાબદારી રોહિત અને યશસ્વી જયસ્વાલ પર હોવી જોઈએ.