નવી દિલ્હી: ટીનેજ વયમાં જ ચેસજગતના દિગ્ગજોને હરાવીને થોડા વર્ષોથી સનસનાટી મચાવી રહેલા ચેન્નઈના 18 વર્ષના રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે ભારતીય ચેસમાં Viswanathan Anand જેવી જ વિરલ સિદ્ધિ મેળવી છે. પ્રજ્ઞાનાનંદ લાઇવ ક્લાસિકલ ચેસ રૅન્કિંગ્સમાં આનંદને જ ઓળંગીને ચેસ જગતમાં છવાઈ ગયો છે. ખાસ કરીને પ્રજ્ઞાનાનંદે ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેનને મહાત આપીને પહેલી વાર ચેસના મેન્સ રૅન્કિંગ્સમાં ભારતીયોમાં નંબર-વનનું સ્થાન હાંસલ કર્યું છે.
નેધરલૅન્ડ્સમાં ટાટા સ્ટીલ માસ્ટર્સ નામની ઇન્ટરનૅશનલ ચેસ ટુર્નામેન્ટ ચાલી રહી છે જેમાં પ્રજ્ઞાનાનંદે વિશ્વવિજેતા ડિન્ગને હરાવ્યો એટલે બે સ્થાન ઉપર આવીને 11મા ક્રમે આવી ગયો. આનંદ કરતાં પ્રજ્ઞાનાનંદના રેટિંગ પૉઇન્ટ 0.3 વધુ એટલે કે 2748.3 છે જે તેને ઈન્ડિયાનો નંબર-વન બનાવવા માટે પૂરતા છે.
પ્રજ્ઞાનાનંદ ક્લાસિકલ ચેસમાં વર્લ્ડ ચૅમ્પિયનને હરાવનાર Viswanathan Anand પછીનો બીજો ભારતીય ખેલાડી છે.
હજી થોડા મહિના પહેલાં ચેસના વર્લ્ડ કપમાં રનર-અપ બનેલા પ્રજ્ઞાનાનંદે ઇન્ડિયન નંબર-વનની રૅન્ક મેળવી એટલે સોશિયલ મીડિયામાં તેના પર અભિનંદનની વર્ષા શરૂ થઈ હતી.
ક્રિકેટિંગ-ગૉડ તરીકે ઓળખાતા સચિન તેન્ડુલકરે પ્રજ્ઞાનાનંદને અભિનંદન આપતા લખ્યું હતું, ‘ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેન સામે જીતીને ભારતના નંબર-વન ચેસ ખેલાડી બનવા બદલ પ્રજ્ઞાનાનંદે ખૂબ-ખૂબ અભિનંદન. માત્ર 18 વર્ષની ઉંમરે તે ચેસની રમત પર માત્ર પ્રભુત્વ નથી જમાવ્યું, ભારતનો સર્વોત્તમ ખેલાડી પણ બની ગયો છે.’