
મૅન્ચેસ્ટરઃ ઇંગ્લૅન્ડ સામે બુધવાર, 23મી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી) ઑલ્ડ ટ્રેફર્ડમાં રમાનારી ચોથી ટેસ્ટ ભારતે સિરીઝને જીવંત રાખવા ગમેએમ કરીને જીતવાની જ છે, પરંતુ એક પછી એક ખેલાડીઓની ઈજાને કારણે થઈ રહેલી બાદબાકી તેમ જ જસપ્રીત બુમરાહની ફિટનેસને લઈને ટીમમાં જે ચિંતા છે એ આ શ્રેણીને જીવંત રાખવાની બાબતમાં બહુ મોટો પડકાર છે.
મોહમ્મદ સિરાજે સમર્થન આપ્યું છે કે ચોથી ટેસ્ટમાં બુમરાહ રમશે, પરંતુ વિકેટકીપર રિષભ પંત અને આકાશ દીપ પૂરા ફિટ નથી, જ્યારે અર્શદીપ સિંહ પ્રૅક્ટિસમાં થયેલી ઈજાને કારણે અને નીતીશ રેડ્ડી પણ ઘૂંટણની ઇન્જરીને લીધે સિરીઝની બહાર થઈ ગયા છે. હવે આ સ્થિતિમાં બુધવારે ભારતની પ્લેઇંગ-ઇલેવન શું હશે એ ચર્ચાનો વિષય છે.
આપણ વાંચો: વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ 2031 સુધી ઇંગ્લૅન્ડમાં જ રમાશે, કારણ જાણી લો…
પંત ડાબા હાથની પહેલી આંગળીની ઈજાને લીધે કદાચ નહીં રમે અને રમે પણ ખરો. આ સંજોગોમાં બની શકે કે તેની પાસેથી વિકેટકીપિંગની જવાબદારી આ મૅચ પૂરતી પાછી લઈ લેવાશે અને તેના સ્થાને ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ કરશે, જ્યારે પંત માત્ર બૅટ્સમૅન તરીકે રમશે.
ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ અને કે. એલ. રાહુલ નક્કી છે, પણ કરુણ નાયર ત્રણેય ટેસ્ટમાં ફ્લૉપ ગયો હોવાથી તેને હવે રમાડાશે કે નહીં એ સવાલ છે ત્યારે જો તે ટીમમાં નહીં હોય તો સાઇ સુદર્શનને ફરી રમવાનો મોકો અપાશે કે શું? જોકે આ ત્યારે સંભવ હશે જ્યારે પંત માત્ર બૅટ્સમૅન તરીકે પણ ટીમમાં નહીં હોય.
આપણ વાંચો: ભારતની ટેસ્ટ ટીમમાંથી આ બોલર લગભગ બહાર, નવા બોલરનો સમાવેશ
બીજો એક મોટો સવાલ એ પણ છે કે ઑલરાઉન્ડર તરીકે શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદર, આ બેમાંથી કોનો સમાવેશ કરાશે? ઑલ્ડ ટ્રેફર્ડની પિચ પર ઘાસ છે એટલે ફાસ્ટ બોલરને એના પર વધુ મદદ મળશે એ જોતાં શાર્દુલ મજબૂત દાવેદાર છે. નીતીશ રેડ્ડી ઈજાને લીધે સિરીઝની બહાર થઈ ગયો છે.
જોકે સુંદરે ત્રીજી ટેસ્ટમાં સારું પર્ફોર્મ કર્યું હતું (તેણે બીજા દાવમાં ચારેય બૅટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા હતા) એ જોતાં તેને પણ નજરઅંદાજ કરી શકાય એમ નથી.
સૌથી વધુ ચર્ચા નવા પેસ બોલર અંશુલ કંબોજની છે. તેને ડેબ્યૂ કરવાની તક મળશે એની પાકી સંભાવના છે. આકાશ દીપ પૂરો ફિટ નહીં હોય તો પ્લેઇંગ-ઇલેવનમાં નહીં કંબોજનો સમાવેશ શક્ય છે. જોકે આકાશ દીપ ફિટ હશે તો જ રમશે.
ભારતની સંભવિત પ્લેઇંગ-ઇલેવનઃ
શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઇ સુદર્શન, કરુણ નાયર, ધ્રુવ જુરેલ/રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ/અંશુલ કંબોજ.