Euro 2024: પોર્ટુગલ યુરો-2024ના નૉકઆઉટમાં પહોંચેલી ત્રીજી ટીમ
બેલ્જિયમની ટીમે રાજા-રાણીની હાજરીમાં રોમાનિયાને 2-0થી હરાવ્યું
ડૉર્ટમન્ડ/કૉલોન: જર્મનીમાં ફૂટબૉલના યુરો-2024 (યુરોપિયન ચૅમ્પિયનશિપ)માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સુકાનમાં પોર્ટુગલ (Portugal)ની ટીમ 16 ટીમવાળા નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચેલી ત્રીજી ટીમ બની છે. યજમાન જર્મની અને સ્પેનની ટીમ ગયા અઠવાડિયે જ નૉકઆઉટ માટે ક્વૉલિફાય થઈ હતી.
શનિવારે ગ્રૂપ-એફમાં પોર્ટુગલે ટર્કી (Turkey)ને રોમાંચક મુકાબલામાં 3-0થી હરાવીને 16 ટીમવાળી પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પોર્ટુગલના બે ખેલાડીએ એક-એક ગોલ કર્યો હતો અને ત્રીજો ગોલ (28મી મિનિટમાં) ટર્કીના જ ખેલાડી અકાયદિનથી પોર્ટુગલના જ ગોલપોસ્ટમાં ભૂલથી થઈ જતાં પોર્ટુગલને ઑન-ગોલ મળતાં છેવટે એનો 3-0થી વિજય થયો હતો.
પોર્ટુગલનો સુકાની ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એકેય ગોલ નહોતો કરી શક્યો, પણ 56મી મિનિટમાં તેણે બ્રૂનો ફર્નાન્ડિઝને ગોલ કરવામાં મદદ કરી હતી જેને પગલે પોર્ટુગલની સરસાઈ 3-0ની થઈ ગઈ હતી અને પછી બાકીના સમયમાં રોનાલ્ડો ઍન્ડ કંપનીએ ટર્કીને એકેય ગોલ નહોતો કરવા દીધો.
પોર્ટુગલ વતી મૅચનો પ્રથમ ગોલ 21મી મિનિટમાં બર્નાર્ડો સિલ્વાએ કર્યો હતો. પ્રોફેશનલ ફૂટબૉલમાં મૅન્ચેસ્ટર સિટી વતી રમતા સિલ્વાને ટર્કી સામેની મૅચમાં એકંદરે સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરવા બદલ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
2016માં યુરો ટૂર્નામેન્ટ જીતનાર પોર્ટુગલ હવે બુધવારે જ્યોર્જિયા સામે રમશે, જ્યારે ટર્કીનો મુકાબલો ચેક રિપબ્લિક સામે થશે.
આ પણ વાંચો : UEFA Euro 2024: જર્મની યુઇફા યુરોના નૉકઆઉટમાં પહોંચેલો પ્રથમ દેશ
શનિવારે કૉલોન શહેરમાં ગ્રૂપ-ઇની મૅચમાં બેલ્જિયમે (Belgium) પોતાના રાજા અને રાણીની ઉપસ્થિતિમાં રોમાનિયા (Romania)ને 2-0થી હરાવી દીધું હતું. બેલ્જિયમ વતી મૅચની બીજી જ મિનિટમાં ટિલેમાન્સે અને 80મી મિનિટમાં ડી બ્રુસને ગોલ કર્યો હતો. બેલ્જિયમની સંરક્ષણની મજબૂત દિવાલને કારણે રોમાનિયાની ટીમ એકેય ગોલ નહોતી કરી શકી.
બેલ્જિયમના રાજા ફિલિપ અને રાણી મથિલ્ડે ખાસ આ મૅચ જોવા કૉલોન શહેર આવ્યા હતા. તેમની હાજરી હોવાનું જણાતાં બેલ્જિયમના ખેલાડીઓએ શરૂઆતથી છેક સુધી જબરદસ્ત પર્ફોર્મ કરીને રોમાનિયાની ટીમ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. બેલ્જિયમની ટીમ વતી પ્રથમ ગોલ બીજી મિનિટમાં થયો અને 80મી મિનિટના ગોલ બાદ થોડી જ વારમાં બેલ્જિયમના 2-0ની સરસાઈવાળા વિજય સાથે મૅચ પૂરી થઈ હતી.
ગ્રૂપ-ઇમાં ચારેય ટીમના ત્રણ-ત્રણ પૉઇન્ટ છે. જોકે બેલ્જિયમ અને રોમાનિયાને નૉકઆઉટમાં જવાનો સારો મોકો છે. બુધવારે તેમની અનુક્રમે બેલ્જિયમની ટક્કર યુક્રેન સાથે અને રોમાનિયાની સ્લોવેકિયા સાથે છે.