નીરજ ચોપડા મળ્યો પીએમ મોદીનેઃ પત્ની હિમાની મોર પણ હતી હાજર

નવી દિલ્હીઃ ભાલાફેંકના ભૂતપૂર્વ ઑલિમ્પિક્સ ચૅમ્પિયન અને વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલો નીરજ ચોપડા (Neeraj Chopra) મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Modi)ને મળ્યો હતો. આ મુલાકાત દરમ્યાન નીરજની પત્ની હિમાની મોર પણ હાજર હતી.
ઑલિમ્પિક્સના બે ચંદ્રક જીતી ચૂકેલો નીરજ પત્ની હિમાની (Himani) સાથે પીએમ મોદીને 7, લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યો હતો. નીરજે આ વર્ષની શરૂઆતમાં હિમાની સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તેઓ વેકેશન માણી રહ્યા છે અને એ દરમ્યાન નીરજે મુલાકાતની તક મળતાં મોદીને મળવાનું નક્કી કરી લીધું હતું.
નીરજ ચોપડાએ આ મુલાકાત દરમ્યાન વડા પ્રધાન સાથે ભાલાફેંક સહિત વિવિધ રમતો પર અને અન્ય મુદ્દા પર ચર્ચા કરી હતી.
નીરજ 2025ના વર્ષ દરમ્યાન પહેલી વખત ભાલો 90 મીટર સુધી ફેંકી શક્યો છે. તેણે 90.23 મીટરના અંતર સાથે આ સિદ્ધિ મેળવી હતી. આ ઉપલબ્ધિ મેળવનાર તે એશિયાનો ત્રીજો અને વિશ્વનો પચીસમો ખેલાડી બન્યો છે. નીરજ પૅરિસ ડાયમંડ લીગ, ગોલ્ડન સ્પાઇક મીટ અને એનસી ક્લાસિક સહિત ત્રણ મોટી સ્પર્ધાના ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યો છે.



