નેશનલસ્પોર્ટસ

વર્લ્ડ ચૅમ્પિયનો સાથે પીએમ નરેન્દ્ર મોદીની ‘કપ પે ચર્ચા’

વર્લ્ડ કપ જીતી લાવનાર રોહિત સેનાનો વડા પ્રધાન સાથેની મુલાકાતનો સૌથી લાંબો વીડિયો બહાર આવ્યો, દરેક ખેલાડીએ દિલ ખોલીને કરી વાતચીત

નવી દિલ્હી: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ સફળતાપૂર્વક પાર પડ્યો, ટીમ ઇન્ડિયાએ એની પ્રતિષ્ઠિત ટ્રોફી પર પોતાનું નામ અંકિત કર્યું, રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે અપરાજિત રહીને ઐતિહાસિક ટ્રોફી મેળવી, ભારત 17 વર્ષે ફરી ટી-20નો તાજ જીત્યું, 140 કરોડ ભારતીયોનું સપનું સાકાર થયું, બાર્બેડોઝથી ભારતીય ટીમ ગુરુવારે પાટનગર દિલ્હી પહોંચી ત્યારે હજારો લોકોએ તેમનું શાનદાર સ્વાગત કર્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓનું બહુમાન કર્યું અને પછી મુંબઈમાં લાખો લોકોએ ખેલાડીઓના ‘ઓપન બસ રોડ-શો’ વખતે મરીન ડ્રાઇવ પર તથા ચર્ચગેટ અને એની આસપાસના વિસ્તારોમાં ઊમટી પડીને વર્લ્ડ ચૅમ્પિયન ટીમની જીતનું અવિસ્મરણીય સેલિબ્રેશન કર્યું. આ બધા વચ્ચે મોદી સાથેની ચૅમ્પિયન ટીમની મુલાકાતનો લાંબો વીડિયો બહાર આવ્યો છે.

આ વીડિયો મુજબ ગુરુવારે સવારે પીએમ મોદીના નિવાસસ્થાને ખેલાડીઓ સાથે તેમની મુલાકાત થઈ હતી. એ દરમ્યાન મોદીએ દરેક ખેલાડી સાથે વિગતવાર ચર્ચા કરી હતી અને તેમના અનુભવો જાણ્યા હતા. ખેલાડીઓએ પીએમ સાથે દિલ ખોલીને વાતચીત કરી હતી.

વડા પ્રધાને સૌથી પહેલાં હેડ-કોચ રાહુલ દ્રવિડ સાથે અને પછી કૅપ્ટન રોહિત શર્મા સાથે વાતચીત કરી હતી. ત્યાર પછી મોદીએ એકેએક પ્લેયર સાથે વાતચીત કરી હતી અને તેમના વિશે જાણ્યું હતું. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આ મુલાકાત દરમ્યાન બેહદ ખુશ હતા.

આ પ્રસંગે બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની તેમ જ સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત હતા. મોદીએ દરેક ખેલાડીના વર્લ્ડ કપમાંના પ્રદર્શન વિશેની જાણકારી પણ મેળવી હતી.

રોહિત શર્મા 2007ના ઐતિહાસિક ટી-20 વર્લ્ડ કપમાં રમ્યો હતો અને 2024માં તેના સુકાનમાં ભારત ચૅમ્પિયન બન્યું છે. એ રીતે તે બે ટી-20 ટ્રોફી જીતનારો એકમાત્ર ભારતીય ખેલાડી છે. તે ટી-20નું સૌથી મોટું ઇન્ટરનૅશનલ ટાઇટલ જીતનાર એમએસ ધોની પછીનો બીજો કૅપ્ટન છે. જોકે રોહિત ટી-20 વર્લ્ડ કપમાં એકેય મૅચ હાર્યા વિના ચૅમ્પિયન બનેલો વિશ્ર્વનો પહેલો કૅપ્ટન છે.

આ પણ વાંચો :એકનાથ શિંદેએ રોહિત શર્મા ભારતીય ટીમના અન્ય 3 સભ્યોનું સન્માન કર્યું

મોદીની કોની સાથે શું ચર્ચા થઈ?

હેડ-કોચ રાહુલ દ્રવિડ સાથે: પીએમ મોદીએ કહ્યું, ‘તમને અને સમગ્ર ટીમને ટી-20 વર્લ્ડ કપ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમે ગજબનો જુસ્સો, ટૅલન્ટ અને ધૈર્ય બતાવ્યા.’ દ્રવિડે જવાબમાં કહ્યું, ‘તમને મળવાનો અમને આ અવસર આપવા બદલ તમારો ખૂબ આભાર. તમે ગયા વર્ષે અમદાવાદમાં (વન-ડે વર્લ્ડ કપની ફાઇનલની હાર બાદ ડ્રેસિંગ-રૂમની મુલાકાત) પણ અમારી વચ્ચે આવ્યા હતા. ત્યારે અમે પરાજિત થયા હોવાથી અમારા બધા માટે ઉદાસીનો સમય હતો, પણ હવે આ ખુશીના પ્રસંગે તમને ફરી મળી શક્યા એનો અમને બેહદ આનંદ છે. રોહિત અને તેના ખેલાડીઓએ ગજબની લડાયક શક્તિ બતાવી, મરતે દમ તક હિંમત ન હારવાનો અપ્રોચ રાખ્યો એટલે આ ચૅમ્પિયનપદનો જશ આ બધા ખેલાડીઓને મળવો જોઈએ. આ બધા પ્લેયર્સ યુવા પેઢી માટે પ્રેરણા બની ગયા છે.’

કૅપ્ટન રોહિત શર્મા સાથે: પીએમ મોદીએ કહ્યું, ‘તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ફાઇનલ જીત્યા પછી તમે પિચની માટી ખાધી એ વિશે કંઈક કહેશો?’ રોહિતે જવાબમાં જણાવ્યું, ‘અભિનંદન બદલ તમારો ખૂબ આભાર. હું એ ઐતિહાસિક વિજય બદલ કંઈક યાદગીરીરૂપે કરવા માગતો હતો એટલે માટી ખાધી હતી. અમે વર્ષો સુધી રાહ જોયા પછી ફરી મોટી ટ્રોફી જીત્યા એટલે એ પિચ અને એ પળ મારા માટે અમૂલ્ય હતી.’ મોદીએ તેને પૂછ્યું, ‘ટ્રોફી સ્વીકારવા જતી વખતે તમે કંઈક અલગ સ્ટાઇલમાં ત્યાં પહોંચ્યા હતા, એ વિશે કંઈક કહેશો?’ રોહિત બોલ્યો, ‘સાથીઓ મને કંઈક નવું કરવાનું કહી રહ્યા હતા. હું એ સ્ટાઇલમાં ટ્રોફી લેવા ગયો એ આઇડિયા કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો હતો.’

રિષભ પંત સાથે: પીએમ મોદીએ પૂછ્યું, ‘તમે જીવલેણ બની શક્યો હોત એવા અકસ્માત પછીની ક્રિકેટની સફર વિશે કહેશો?’ રિષભ પંતે જવાબમાં કહ્યું, ‘દોઢ વર્ષ પહેલાં મારો જે કાર અકસ્માત થયો હતો ત્યારે હું અત્યંંત ભયાનક સમયમાંથી પસાર થયો હતો. મને યાદ છે, તમે મારા મમ્મીને કૉલ કર્યો હતો. મમ્મીએ મને કહ્યું કે મોદીસરે જણાવ્યું છે કે બધુ ઠીક થઈ જશે. તમારી એ પ્રતિક્રિયા પછી મેં મારું મગજ શાંત કરી નાખ્યું અને મારો આત્મવિશ્ર્વાસ વધી ગયો હતો. ઘણાને લાગતું હતું કે હું ફરી રમી શકીશ કે નહીં. એ વાતો પરથી મેં નક્કી કરી લીધું કે ગમે એમ કરીને મેદાન પર પાછા જવું જ છે.’ મોદીએ પંતની સંકલ્પશક્તિની અને તેના મમ્મીના યોગદાનની પણ ખૂબ પ્રશંસા કરી હતી.

વિરાટ કોહલી સાથે: પીએમ મોદીએ કોહલીની ફાઇનલની કટોકટીભરી પરિસ્થિતિની ઇનિંગ્સને બિરદાવી અને ટૂર્નામેન્ટમાં નબળા બૅટિંગ પર્ફોર્મન્સ છતાં આત્મવિશ્ર્વાસ તથા અથાક મહેનત જાળવી રાખવા બદલ તેની પ્રશંસા કરી. કોહલીએ તેમને કહ્યું, ‘અમને બધાને અહીં બોલાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ દિવસ અમને બધાને હંમેશાં યાદ રહી જશે.

ટૂર્નામેન્ટ દરમ્યાન એક વાર મેં રાહુલભાઈને કહ્યું હતું કે હું પોતાને અને ટીમને ન્યાય નથી આપી શક્યો. જોકે રાહુલભાઈએ મને કહ્યું કે મને ખાતરી છે કે ઠીક સમય આવશે ત્યારે તું પાછો ફૉર્મમાં આવી જ જઈશ. ફાઇનલમાં બૅટિંગ કરવા જતી વખતે મેં રોહિતને મારા નબળા આત્મવિશ્ર્વાસની વાત કરી હતી. જોકે પહેલા ચાર બૉલમાં મેં ત્રણ ફોર ફટકારી એટલે હું તેની પાસે પહોંચી ગયો અને તેને કહ્યું કે આ રમત કેવી ન્યારી છે…એક દિવસ એવો હોય જેમાં એક રન પણ ન બની શકે, પરંતુ પછી એક દિવસ બધુ ઠીક થઈ જતું હોય છે.’

જસપ્રીત બુમરાહ સાથે: પીએમ મોદીએ બુમરાહને અભિનંદન આપ્યા અને પછી બુમરાહે કહ્યું, ‘હું કઠિન સંજોગોમાં ટીમ ઇન્ડિયાને કામ લાગું છું એ બદલ ખૂબ ખુશ થાઉં છું. હું જ્યારે પણ ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાં જીતાડું છું ત્યારે મારો આત્મવિશ્ર્વાસ વધી જાય છે અને એ આત્મવિશ્ર્વાસને હું આગળ લઈ જાઉં છું. આ ટૂર્નામેન્ટમાં ઘણી વાર આવું બન્યું અને હું ટીમને ટ્રોફી અપાવી શક્યો એનો મને બેહદ આનંદ છે.’

હાર્દિક પંડ્યા સાથે: પીએમ મોદીએ પૂછ્યું, ‘તમે ફાઇનલ જીત્યા પછીના ઇન્ટરવ્યૂમાં ખૂબ ભાવુક થઈ ગયા હતા. એ વિશે કંઈક કહેશો?’ હાર્દિકે જવાબમાં કહ્યું, ‘મારા છેલ્લા છ મહિના ખૂબ એન્ટરટેઇનિંગ રહ્યા. એમાં કેટલાક અપ્સ ઍન્ડ ડાઉન્સ આવ્યા. જાહેર જનતાએ મારો હુરિયો બોલાવ્યો. જોકે મેં નક્કી કરેલું કે હું કોઈને પણ મારા પર્ફોર્મન્સથી જ જવાબ આપીશ. મારો એ જવાબ સ્પોર્ટ્સ મારફતનો જ હશે એ મેં યાદ રાખેલું. એટલે મેં નક્કી કરેલું કે હું મજબૂત મનોબળ રાખીશ અને ખૂબ મહેનત કરીશ.’

સૂર્યકુમાર યાદવ સાથે: પીએમ મોદીએ કહ્યું, ‘તમે ફાઇનલની છેલ્લી કટોકટીની પળોમાં કમાલનો કૅચ પકડ્યો હતો. એ બાબતમાં થોડું શૅર કરશો?’ સૂર્યકુમારે તેમને કહ્યું, ‘ત્યારે એક ક્ષણ તો મને થયું કે એ કૅચ પકડી શકીશ કે નહીં! જોકે મેં બૉલ પહેલા ઝીલી લીધો ત્યાર પછી મારે તરત જ બૉલને અંદરની તરફ હવામાં છોડીને બાઉન્ડરી લાઇનની બહાર જતા રહેવાનું હતું જે મેં કર્યું અને બીજી ક્ષણે અંદર પાછા આવીને કૅચ પકડી લીધો હતો. અમે આવા કૅચની પ્રૅક્ટિસ કરતા હોઈએ છીએ.’

અર્શદીપ સિંહ સાથે: પીએમ મોદીએ તેને કહ્યું, ‘તમારા પિતાએ થોડા દિવસ પહેલાં ખૂબ હૃદયસ્પર્શી વિધાન આપ્યું હતું. તમારો પુત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે એ જોઈને તમે કેવું મહેસૂસ કરી રહ્યા છો? એવા એક પત્રકારના સવાલના જવાબમાં તમારા ડૅડીએ કહેલું કે ઇન્ડિયા પહેલે, બેટા બાદ મેં.’ મોદીએ યાદ કરાવેલી આ વાત પર અર્શદીપે તેમને કહ્યું, ‘સર, સૌથી પહેલાં તો અમને બધાને અહીં તમને મળવા બોલાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમે વર્લ્ડ ચૅમ્પિયન બની શક્યા એનો મને બેહદ આનંદ છે. મારે ખાસ કહેવું છે કે જસપ્રીતભાઈ (બુમરાહ) હરીફ બૅટર્સ પર પ્રેશર વધારી દેતા એટલે અમને વિકેટ લેવામાં સરળતા પડતી હતી. બીજા બોલર્સે પણ બહુ સારું પર્ફોર્મ કર્યું. આશા રાખું છું કે મને ભવિષ્યમાં પણ આવા ટીમવર્કથી ફાયદો થતો રહેશે. આખી ટૂર્નામેન્ટમાં રમવાની ખૂબ મજા આવી ગઈ.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…