સ્પોર્ટસ

કૅનેડાને ભારત-પાકિસ્તાની મૂળના ખેલાડીઓએ ટી-20 વર્લ્ડ કપમાં પહોંચાડ્યું

ઑન્ટારિયો (કૅનેડા): ભારત હાલમાં મેન્સ ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન છે અને આવતા વર્ષે આ વિશ્વ કપ (T20 world cup) શ્રીલંકા સાથે સંયુક્ત રીતે ભારતમાં જ રમાવાનો છે અને એ ટૂર્નામેન્ટ માટે ક્વૉલિફાય થનાર કૅનેડા (Canada) 13મો દેશ બન્યો છે. ભારત અને પાકિસ્તાની મૂળના ખેલાડીઓએ શનિવારે અહીં બહામા સામે રમાયેલી મૅચમાં વિજય અપાવીને કૅનેડાને વર્લ્ડ કપ માટેનું ક્વૉલિફિકેશન અપાવ્યું હતું.

કૅનેડાએ 87 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી બહામા (Bahamas)ને હરાવ્યું હતું. કૅનેડાની આ સતત પાંચમી જીત હતી. બહામાની ટીમ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ફક્ત 57 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય મૂળના 27 વર્ષીય ઑફ-સ્પિનર શિવમ શર્માએ ફક્ત 16 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. પાકિસ્તાની મૂળના (પંજાબ પ્રાન્તના રાવલપિંડીમાં જન્મેલા) 31 વર્ષીય ફાસ્ટ બોલર કલીમ સના રહમાને માત્ર છ રનમાં ત્રણ વિકેટ મેળવી હતી. બે વિકેટ વડોદરામાં જન્મેલા લેફ્ટ-આર્મ સ્પિનર અને ગુજરાતી પ્લેયર અંશ પટેલે અને એક વિકેટ પાકિસ્તાની મૂળના સ્પિનર સાદ બિન ઝફરે લીધી હતી.

કૅનેડાએ માત્ર 5.3 ઓવરમાં ત્રણ વિકેટે 61 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. કૅનેડા વતી સૌથી વધુ અણનમ 36 રન ભારતીય મૂળના ઓપનિંગ બૅટ્સમૅન દિલપ્રીત બાજવાએ કર્યા હતા. ટીમમાં સેક્નડ-હાઇએસ્ટ 14 રન ટીમના બીજા ગુજરાતી ખેલાડી હર્ષ ઠાકરે બનાવ્યા હતા.

આવતા વર્ષના વર્લ્ડ કપમાં પહોંચી ચૂકેલા દેશોમાં બે યજમાન દેશો ભારત તથા શ્રીલંકા તેમ જ ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા, ન્યૂ ઝીલૅન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અમેરિકા, બાંગ્લાદેશ, આયર્લેન્ડ તથા કૅનેડાનો સમાવેશ છે. હવે બીજી સાત દેશની ટીમ પણ ક્વૉલિફિકેશન મેળવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button