સ્પોર્ટસ

પીટરસને પહેલાં યશસ્વીને વખાણ્યો અને પછી વખોડ્યો!

વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામે પહેલાં 80 રન અને હવે 209 રનની બેનમૂન ઇનિંગ્સ બદલ યશસ્વી જયસ્વાલની ચોમેર વાહવાહ થઈ રહી છે. ટીમના સાથીઓ તો તેના પર આફરીન છે જ, ભૂતપૂર્વ ક્રિકેટરો અને કૉમેન્ટેટરો પણ યશસ્વી પર ફિદા છે અને અસંખ્ય ચાહકોનો તો પૂછવું જ શું. તેમણે તો સોશિયલ મીડિયામાં તેની ભરપૂર પ્રશંસા કરી છે.

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસને પણ યશસ્વીને બિરદાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. તેણે મીડિયામાં ભારતના આ ઊભરતા યુવા ખેલાડીની શાનદાર અને અસરદાર ઇનિંગ્સ બદલ લખ્યું, ‘જયસ્વાલ…ખેલજગતના ગ્રેટેસ્ટ પર્ફોર્મન્સીઝમાં અચૂક ગણાશે તેની આ ઇનિંગ્સ.’

જોકે યશસ્વીએ 209 રનના તેના સ્કોર પર ધીરજ ગુમાવીને જેમ્સ ઍન્ડરસનના બૉલમાં આગળ આવીને લૉફ્ટેડ શૉટ મારવાના સાહસમાં એક્સ્ટ્રા કવર પર દોડી આવેલા જૉની બેરસ્ટૉને કૅચ આપી દીધો એ ઘણાને નથી ગમ્યું. પીટરસને જ મીડિયામાં યશસ્વીના આ મિસ-હિટ વિશે લખ્યું, ‘યશસ્વીએ સ્પિનરોના કમબૅકની રાહ જોવી જોઈતી હતી.

મને લાગે છે કે ઍન્ડરસનને મોરચા પરથી હટાવી લેવાની કદાચ તૈયારી થતી જ હતી ત્યાં તેને તેની વિકેટ મળી ગઈ. ઍન્ડરસનના બૉલમાં ખોટું સાહસ કરવાની ભૂલથી યશસ્વી જરૂર પસ્તાયો હશે. સ્પિનરના દરેક બૉલમાં સિક્સર મારવાની તેણે કોશિશ કરી હોત તો હજી સમજી શકાત કારણકે મને તો યશસ્વીના હાથે હજી ઘણા ધડાકાભડાકા જોવા મળશે એવી ધારણા હતી, પણ ઍન્ડરસન સામે આવા આંધળૂકિયા ક્યારેય ન કરાય.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button